અને આપણાં માટે આ.. ખી જિંદગી પડી છે. લાં.. બી સફર સર કરવાની છે.
અહીં આમ..! અટકી જઈશું તો પ્રેમની આખી પંગત લાજશે.”
“ ઈ બધું જ સાચું. પણ.., આ ઘોડે ચઢીને આવ્યું છે. એનું શું..? ”
હાંફતા હાંફતા રોશની બોલી.
“ રોશની..! આવું બધું ઘોડે ચઢીને જ આવતું હોય છે. જેમ વર, ઘોડે ચઢીને આવે છે પણ.., એ વરને પરણવા ઘોડેથી નીચે જ ઉતરવું પડે. એમ આને ‘ય ઘોડેથી નીચે ઉતાર. ”
“ અરે.. પણ.., એ માને તો ને. એની’ ય એક હઠ છે. ”
બન્નેનો હૈયે ચડેલો હાંફ હેઠો બેઠો.કંપનનાં કમાડ બંધ થયાં.
કસાયેલી પકડ ઢીલી પડી.
બંધ થયેલી આંખો ઉઘડી.
આંખોના ઈશારે બન્ને જાગી ગયાં. જાગ્રત બની ગયાં.
રોમરોમમાં લાગેલી આગ જાણે ઓલવાઈ. આંગળીનાં આંકડીયા ઢીલા પડ્‌યાં.
પગથી માથાં સુધીનાં અંગો અલગ થયાં અને એક આવનાર ઘા ટળી ગયો.
ઘીના ઠામમાં ઘી રહી ગયું.
રોશનીએ બે હાથ જોડીને નયનની માફી માંગી.
“એક અવળચંડા રસ્તેથી મને અટકાવી, એ બદલ તારો આભાર, નયન.”
“ના રોશની..!, આમાં આભાર માનવાનો ના હોય. આ જ લોકાલિટી છે અને આ જ સાચો પ્રેમ છે. બાકી તો આકર્ષણનાં અળસીયાં છે.
આવેગનો ઓડકાર ખાધો પછી કોણ હું અને કોણ તું.”
સાંજ પડવા આવી હતી.
સૌ પોતપોતાનાં રાત્રિ રોકાણના સ્થાને પહોંચી ગયાં.
રોશનીનું મન ક્યાંય લાગી રહ્યું નહોતું.જમવા બેઠી, તો પણ.., બટકું ખાઈને પાણી પી લીધું.બીજા કોઈ કાર્યક્રમમાં ભાગ લીધા વિના જ રોશની સુવા માટે ચાલી ગઈ.
અંધકાર ઓઢીને સુવા માટે મથામણ કરી પણ.., અંધકાર ચીરીને વિચારોનું વાવાઝોડું ત્રાટકી રહ્યું હતું.
મન.., મÂસ્તષ્ક..અને મગજમાં બસ નયન સાથે એ પળ.., એ ઘડી.., એ ક્ષણ.
વિચાર વેલ બનીને વિંટળાઈ રહી હતી. તન બદન અત્યારે ‘ય ગરમ થઈ રહયું હતું.
ગેસ્ટ હાઉસનાં ગંદા ઓશીકાં અત્યારે મખમલનાં લાગી રહ્યાં હતાં તો ગાદલું સો મણની તળાઈ.
‘ નયન.. નયન..! ઘડીભર લાગે છે કે.., એ ઘડીનો ઘાટ ઘડી લેવાની જરૂર હતી. એ ક્ષણને માણી લેવી જોઈતી હતી. એ સમયને સરનામું આપી દેવાની જરૂર હતી.’
તો બીજી ક્ષણે વિચાર આવે કે..,
‘કેટલાં મોટાં ગુનામાંથી હું ઉગરી ગઈ. અંધકારનાં અડાબીડ અજાણ્યા રસ્તે જો ચાલી નીકળી હોત તો..?
તો અરીસો ‘ય મારાથી મોઢું છુપાવી લેત અને પછી.. ન જાણે મારે કંઈ કેટલાયથી મોઢું છુપાવવું પડત.’
‘નયન તારા પર મને ગર્વ છે. તારી જાત પર મને અભિમાન છે. મારાં કરતાં ‘ય તું સો દોરા ચડે એવો ભડવીર ભાયડો છો.
તું મારાં માટે પરફેક્ટ પતિ છો. હળવોફૂલ હસબન્ડ છો. તારાથી વધારે લાયક મૂરતિયો મને દુનિયા આખીમાં ન મળે. દિવો તો શું હેલોઝન લાઈટ લઈને જાઉ તોય નયન તારા જેવો પતિ મને ના જ મળે.’
અંધકાર ઓઢીને સુતેલી રોશની વિચારોનું વિમાન બનાવી એમાં વિહરવા લાગી.
કંઈ કેટલાય પડખા ફેરવ્યા પછી. નિંદરરાણી એમની સાથે આવીને સુઈ ગયાં.બાકીનાં સહ પ્રવાસીઓ કાર્યક્રમ પતાવી પોતપોતાની રીતે આવીને સુઈ ગયાં.
લંકેશે અને એમના બાપે કંઈ કેટલાય ધમપછાડા કર્યા પણ, અંતે રોશનીની સગાઈ નયન સાથે થઈને જ રહી. બન્નેના ધામધૂમથી લગ્ન લેવાયાં. નયન જાડી જાન જોડીને આવી પોગ્યો. મમ્મી પપ્પાએ આખી જાનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
ઢોલ, શરણાઈ અને બેન્ડવાજા વગર લગ્ન અધૂરાં લાગે અને ઘોડી તો હોય જ. નયન ઘોડે ચઢીને રોશનીને લેવા માંડવા તરફ આગળ વધી રહ્યો હતો. ઢોલ ધ્રિબાંગ.. ધ્રિબાંગ.. ગરજી રહ્યો હતો. શરણાઈનાં સૂર કર્ણપ્રિય લાગી રહ્યાં હતાં. તો વળી.. બેન્ડવાજાના પહાડી અવાજો નયન સહિત સૌને નાચવા મજબૂર કરી રહ્યા હતાં.
ગોળ કૂંડાળામાં જાનડીયું રાસડો રમી રમીને પોતાની હાજરી પૂરાવી રહી હતી.જેમ જેમ આવો અવાજ નજીક આવતો ગયો તેમ તેમ રોશનીનું હૈયું વધારે ધડકવા લાગ્યું.
હવે વરઘોડો માંડવાની એકદમ નજીક આવી પૂગ્યો. રોશનીથી રહેવાયું નહીં. એ ઉપરનાં માળે ચડી બારીમાંથી નયનને ઘોડે ચડેલો જોઈ રહી. બસ..! જોતી જ રહી. જોતી જ રહી..!
નયનને ઘોડે ચઢેલો જોઈને એમણે આંખોનાં કમાડ બંધ કર્યા.
નીચે સૌ રોશનીને શોધવાં લાગ્યાં.
“રોશની ક્યાં..? રોશની ક્યાં..??”
કોઈક બોલ્યું.“ક્યાંક વરઘોડો જોવાં ઉપર તો નથી ગઈ ને..!?”
બે ચાર સહેલીઓ જોવાં માટે ઉપરનાં માળે આવી પુગી.
“એ.. એ… રોશની..!, એ.. એ… રોશની..!!”
રોશની બોલતી રહી.
“મને જોવા દે ને..!, જોવા દે ને..!!” તો એક સહ પ્રવાસી સહેલીને ગમ્મત સુઝી. “ રોશની..!, ક્યાંક નયન સાથે લગ્ન તો નથી કરી રહી ને..!? ”રોશની બે જ વાક્ય બોલી રહી હતી.
“મને જોવા દે ને..!, મને જોવા દે ને..!!”
વધુ બે ચાર બહેનપણીઓએ વધારે ગમ્મત કરી. (ક્રમશઃ)