પંચમહાલ જિલ્લામાં ખૂબ જ કરૂણ ઘટના બની છે. મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર મોડી રાત્રે થ્રી ફેઈઝ લાઈનનો વીજ વાયર તૂટી પડ્યો હતો. આ ચાલુ વીજ વાયરના સંપર્કમાં બાઈક આવી હતી. જેમાં બાઈક સવાર બે સગાભાઈ અને તેના ભાણેજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જેને લઈને પરિવારમાં આક્રંદ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ પર વળાંકમાં થ્રી ફેઈઝ વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો. જેના સંપર્કમાં બાઇક આવી જતાં બાઈક સવાર આશિષ મકવાણા, ભુનેશ્વર મકવાણા અને પલાસ ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બે દિવસ અગાઉ જ આ યુવાનો બહાર ગામ મજૂરી કામે ગયા હતા, ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ તેઓનું બાઈક વીજ લાઈનના સંપર્કમાં આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બે સગાભાઈ અને તેના ભાણેજનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.