રોઝ વેલી પોન્ઝી કૌભાંડમાં છેતરાયેલા લાખો રોકાણકારોને મોટી રાહત મળી છે. ભારત સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ૫૧૫.૩૧ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ નિવૃત્ત ન્યાયાધીશ દિલીપ કુમાર સેઠને સોંપ્યો, જેઓ એસેટ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ છે. કૌભાંડમાં ફસાયેલા રોકાણકારોને પૈસા પરત કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ રકમ સાથે લગભગ ૭.૫ લાખ લોકોને તેમના પૈસા પાછા મળશે. અગાઉ પણ એડીસીને ૨૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેના દ્વારા ૩૨,૩૧૯ રોકાણકારોને પૈસા પરત કરવામાં આવ્યા હતા.

ઈડીએ ૨૦૧૫ થી ૨૦૧૭ દરમિયાન રોઝ વેલી ગ્રુપના મની ટ્રેલ પર નજર રાખતા, ૨,૯૮૭ બેંક ખાતા શોધી કાઢ્યા જેમાં છેતરપિંડીથી પૈસા જમા કરવામાં આવ્યા હતા. આ ખાતાઓ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ ૭૦૦ ફિક્સ્ડ ડિપોઝિટ બનાવવામાં આવી હતી. આ એફડીની કિંમત ૫૧૫.૩૧ કરોડ રૂપિયા છે, જે હવે રોકાણકારોને પરત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઈડીએ રોઝ વેલી ગ્રુપની ૧,૧૭૨ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ પણ જપ્ત કરી છે, જેનું વર્તમાન બજાર મૂલ્ય ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ મિલકતો પણ ટૂંક સમયમાં વેચવામાં આવશે અને પૈસા પીડિતોને પરત કરવામાં આવશે.

ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે રોઝ વેલી ગ્રુપે ૧૭,૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. કંપનીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જમીન, હોટલમાં સમય ફાળવણી અથવા ઊંચા વ્યાજ દરનું વચન આપીને પૈસા એકઠા કર્યા હતા. પરંતુ ઘણા કિસ્સાઓમાં ન તો જમીન મળી કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા. આમાંથી, ૬,૬૬૬ કરોડ રૂપિયા હજુ પણ રોકાણકારોને પરત કરવામાં આવ્યા નથી.

રોઝ વેલી કૌભાંડની તપાસ પીએમએલએ (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં પાંચ કેસ નોંધાયા છે. ઈડીની મદદથી, એસેટ ડિસ્પોઝલ કમિટી હવે ઝડપથી મિલકતોનું મૂલ્યાંકન, સર્વેક્ષણ અને મુદ્રીકરણ કરી રહી છે જેથી રોકાણકારોને શક્ય તેટલી વહેલી તકે પૈસા પરત કરી શકાય. અત્યાર સુધીમાં, લગભગ ૩૧ લાખ લોકોએ પોતાના દાવા નોંધાવ્યા છે. આગામી મહિનાઓમાં રિફંડ પ્રક્રિયા વધુ ઝડપી બનવાની અપેક્ષા છે.

આ રિફંડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગરીબો પાસેથી લૂંટાયેલા પૈસા તેમને કોઈપણ સંજાગોમાં પરત કરવા જાઈએ. સરકાર અને ઈડીનો આ પ્રયાસ જનતાનો વિશ્વાસ જીતવા અને પારદર્શક નાણાકીય વ્યવસ્થા બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જો તમને પણ આ કૌભાંડમાં નુકસાન થયું હોય અને હજુ સુધી દાવો કર્યો નથી, તો તમે એડીસી વેબસાઇટની મુલાકાત લઈને તમારો દાવો નોંધાવી શકો છો.