Happy Womens Day illustration. Native indian paper cut girl silhouette with women group inside, female crowd for equal rights march or peaceful protest concept.

કરોડો સ્ત્રીઓની જાણબહાર અને લાખો પુરુષોને અસર કર્યા વિના હમણાં જ હજુ એક ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ઉજવાયો અને ચાલ્યો ગયો. ૮ માર્ચે સ્ત્રીઓને લગતા જુદા જુદા પ્રોગ્રામ યોજી, લેખો, ફંકશનો, કેમ્પેઈન ઉપરાંત જુવાન કે જુવાન દેખાવા માંગતા ગેજેટપ્રેમીઓ સ્ત્રીસન્માનની સલાહોસભર સુફિયાણા વોટ્સએપ મેસેજીઝ ફોરવર્ડ કરી, ઉમર વધી ગઈ હોય તેવા સ્ત્રીઓના હક અને સ્ત્રીઓની સુરક્ષા માટે ચિંતન-આચાર-વિચાર-પ્રચારની બોરિંગ શિબિરો ગોઠવી વિગેરે વિગેરે કરીને સ્ત્રીદિવસ – વિમેન્સ ડે ઉજવવો એ માનવજાતની ફક્ત કમનસીબી જ નહિ પણ નાગડદાઈ પણ છે. બેશરમીપણાથી ભરેલ દિલદગડાઈ છે. ફક્ત ભારતીય જ નહિ, માનવમાત્ર ઉત્સવપ્રેમી છે. આપણી ઉપર તો કરોડો ભગવાનોનો ઉપકાર છે કે દર અઠવાડિયે એક તહેવાર આપ્યો છે, બિનભારતીય પાસે આ સવલત નથી એટલે એમણે આવા તહેવારો ઈજાદ કર્યા છે. છેલ્લા સો વર્ષ કરતા વધારે સમયથી વિમેન્સ ડે ઉજવાય છે. એના પગલે પગલે પચાસેક વર્ષ પછી મેન્સ ડે પણ ઉજવાવા લાગ્યો. જગતભરના દાદાજીઓએ ઝાડ પર ચડેલા વાંદરાના માથેથી ટોપી ઉતારવાની વાર્તા પુરુષોને પહેલા સંભળાવી હતી કે શું?

કયા મોઢે પુરુષો વિમેન્સ ડે ઉજવે છે? જે જાતીને સંતુલન, બેલેન્સ, સમતુલા, સ્થિરતા જેવા શબ્દો સાથે કોઈ નિસ્બત નથી તે પુરુષજાતી સ્ત્રીઓના મહત્વના બ્યુગલો વગાડે છે! હા, અતિશયોક્તિ આ જાતીનો પ્રિય અલંકાર છે. હિરોઈઝમ તેમને ગમે છે એટલે કાં તો અહોભાવ કાં તો તુચ્છભાવ સિવાય કોઈ ત્રીજો ભાવ સદીઓથી પુરુષો લાવી શક્યા નથી. અંતિમવાદી બનવામાં ભારતીય પુરુષો નિષ્ણાત છે. તેમને મન સ્ત્રી દેવી છે, પૂજ્ય છે, અથવા તો પોતાની ગુલામ છે, પોતાનાથી ઉતરતી છે. નવરાત્રીમાં માતાજીની આરતી કર્યા પછી હિલોળા લેતી યુવતીઓને મન-નજર-વચનથી અપમાનિત કરવાની શોખીન પ્રજા છે આ પુરુષો. નાની બહેન હોય તો મોટા ભાઈ બનીને એક કડપ રાખવા, મોટી બહેન હોય તો પોતાને ‘છોકરાની જાત’ ગણી બધા હક છીનવી લેવા, પત્ની હોય તો ‘ધણી’પણું કરવા અને દીકરી હોય તો સંસ્કાર અને રક્ષણના નામે પીંજરામાં રાખવા, મા હોય તો એના કહ્યામાં ન રહીને ફક્ત વારે તહેવારે શોકેસના શોપીસની જેમ યાદ કરવા, ગર્લફ્રેન્ડ હોય તો પોતાના અહમને સંતોષવા, ફીમેલ બોસ હોય તો ગાળો દેવા, એમ્પ્લોયી કે કલીગ હોય તો બને એટલો જલ્દી ચાન્સ મારવા ઈ.– માટે જ હું બન્યો છું એવું આ ટીપીકલ કહેવાતા મર્દોના મનમાં વર્ષોથી ઠુસી ગયું છે. (હા, અપવાદ હશે તમારા ધ્યાનમાં. ‘‘હવે એવું નથી રહ્યું બહુ કાઈ..’’એવું? અપવાદો આજકાલના નહિ રામના જમાનાથી હતા, કઈ ફર્ક પડ્યો?) ધણી શબ્દ હંમેશા અશ્લીલ લાગ્યો છે. ગૃહિણી એટલે ઘરની રાણી-સામ્રાજ્ઞી, એ અર્થ ખુદ સ્ત્રીઓને ખ્યાલ નથી ત્યારે મુછાળાઓ પાસેથી શું આશા રાખવી?

નમાલા છીએ આપણે. હા, ગાળો બોલનારા છોકરાઓથી લઇને બુઢ્ઢાઓ સુધી, પોલીસથી લઇને વિદ્યાર્થી સુધી, નેતાઓથી લઇને એકઝીક્યુટીવ ડેલીગેટ્સ સુધીના બધા પુરુષો પોચટ, નમાલા અને કાયર લાગ્યા છે જે ગાળો બોલે છે, કારણ કે મોટા ભાગની ગાળો સ્ત્રીસંબોધિત છે. તારી માને આમ…, એની બેનને તેમ…, મધર.. બીપ બીપ. હા હા હા, એક વાત માર્ક કરી, ગાળોની રચનાને દેશને સરહદ નથી રોકી શકતી. બધી ભાષાઓમાં એકબીજાથી સ્વતંત્ર રીતે સ્ત્રીઓને અપમાનિત કરતી ગાળો ઉદભવી છે. (જાવેદ અખ્તર સાહેબ ‘પંછી નદિયા ‘ગાલીયાં’ ઔર પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઇન્હેં રોકે’ એવું રીમીક્સ કરી શકે એમ છે.) ગાળો આપવી એ ખરાબ વસ્તુ છે એ વાત અહી નથી (ગાળો સારી છે એમ વાત પણ નથી) કહેવાનો મુદ્દો એ છે કે એ હદે પુરુષપ્રધાન માનવપ્રજાતિ ભીરુ છે કે જેની પર ગુસ્સો આવે એને કઈ કહેવાને બદલે ગાળો દ્વારા એની મા-બહેનને સીધો ટાર્ગેટ કરવામાં આવે છે. ગાળ બોલવી પડે એ હદે મજબુર કરનાર વ્યક્તિને સીધું કઈ કહી શકવાની કે કશુક નક્કર કરી શકવાની ત્રેવડ આપણે હવે ગુમાવી ચુક્યા છીએ. ‘હવે’ શબ્દ એટલા માટે વાપર્યો કે સ્ત્રીની હાલત પહેલા આવી હતી નહિ. પુરુષની સમાંતર સ્ત્રીની ગણના થાય એ તો સ્ત્રીનું અપમાન કહેવાતું એવો જમાનો હતો. અરે, અત્યારે તમે જે ધરતી ઉપર બેઠા છો એ ધરતી કેની બનેલી છે? એક પૌરાણિક કથા અનુસાર સતીના પાર્થિવદેહને લઇને શંકર સમસ્ત બ્રહ્માંડમાં વિલાપ કરતા હતા ત્યારે શંકરને શાંત પાડવા વિષ્ણુએ સુદર્શનચક્રથી સતીના ટુકડા કર્યા, અને એમના શરીરના ભાગો જે જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ છે. ભારતભૂમિનો આધાર એક સ્ત્રી છે. જેના પીંડમાંથી આપણો દેહ સર્જાયો છે, જે આપણા બધાના જન્મનું કારણ બન્યું છે તે જ માભૌમ ઉપર રહીને કેટલાક વિદુષક-રાક્ષસની સંકરણ જાતી ‘અમે તો અમારા ઘરની લેડીજને પુરતી છૂટ આપી છે હો’ જેવું બીભત્સ વાક્ય ઉચ્ચારે છે. શિવલિંગ કેવા પથ્થરમાંથી બને? જે પથ્થરને ઠપકારતા ઘન અવાજ આવે તે, અને એ લિંગનું થાળું કેવા પથ્થરમાંથી રચાય? જે પથ્થર મધુર એવો સ્ત્રીલિંગ અવાજ કરે તેમાંથી. શિવલિંગનો ભાર એક સ્ત્રી-પથ્થર જ ઉપાડી શકે છે. વિચારો, આવા મહાન દેશમાં સ્ત્રીઓને ૨૦૧૬માં પણ સમાનતા માટે ઝઝૂમવું પડે છે અથવા તો દબાઈને બેસી રહેવું પડે છે. બાકી પહેલા આવું હતું નહિ. વેશ્યાને ખુબ માન-સમ્માન-આદર મળતા. વેશ્યા શબ્દ બિલકુલ ઉતરતો ન હતો. અને અત્યારે આપણા નેતાઓ કોઈ દેશવિરોધી તત્વોની સરખામણી વેશ્યા સાથે કરે છે. વેશ્યા શબ્દને ગાળ ગણવામાં આવે એ જ અધોગતિની નિશાની છે.