જે રીતે બેક્ટેરિયા, ફૂગ અને વિષાણુથી જીવાતોમાં જુદા-જુદા રોગ થાય છે તે રીતે કેટલાક રોગપ્રેરક કૃમિઓ પણ જીવાતોમાં રોગ પેદા કરે છે. કૃષિ તેમજ બાગાયતી પાકોના મૂળમાં થતો ગંઠવા કૃમિ એ ખેડૂતો માટે એક વિપરીત સમસ્યા છે. પરંતુ કૃમિ વર્ગના કેટલાક એવા કૃમિ છે કે જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે કીટકો સાથે સંકળાયેલા કૃમિઓને એન્ટોમોફીલીક, એન્ટોમોજીનસ કે એનટોમોપેથોઝેનીક
કૃમિઓ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેઇનરનેમા, હેટેરોરહેબ્ડીટીસ અને નીઓસ્ટેઇનરનેમા પ્રજાતિના કૃમિઓ જીવાતોના જૈવિક નિયંત્રણ માટે ખુબ જ અગત્યના ગણાય છે. તે પૈકી હેટેરોરહેબ્ડીટીસ સ્પી. અને સ્ટેઇનરનેમા સ્પી. જાતિના કૃમિઓ આપણા દેશમાં નોંધાયેલ છે. એન્ટોમોપેથોજેનિક
કૃમિ શરીરે પોચા અને નળાકાર કૃમિ છે. એન્ટોપોપેથોજેનિક કૃમિ કુદરતી રીતે જમીનમાં જોવા મળે છે.
રોગપ્રેરક કૃમિઓને સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં સારી રીતે ઉપયોગ કરી શકાય છે કારણ કે તે,
• મનુષ્યો, પાળેલા પ્રાણીઓ અને વનસ્પતિ માટે સલામત જણાયેલ છે. તેના પર તેની કોઈ આડઅસર જોવા મળતી નથી.
• તે ઘણા કીટકોમાં રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.
• પ્રયોગશાળામાં તેને કૃત્રિમ માધ્યમ (ખોરાક) પર ઉછેરી શકાય છે અને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે.
કૃમિઓ જીવાતોનો કઈ રીતે નાશ કરે છે?
રોગપ્રેરક કૃમિ ખાસ કરીને રોમપક્ષ (ફૂદા અને પતંગિયા) અને ઢાલ પક્ષ (ઢાલીયા) શ્રેણીના કીટકોની ઇયળો માટે અસરકારક જણાયેલ છે આ કૃમિની વિશેષતા એ છે કે તેઓની અન્નનળીમાં વિશિષ્ટ પ્રકારના સહજીવી બેક્ટેરિયા રહેલા હોય છે જે પાકને નુકસાન કરતી જીવાતની વિવિધ અવસ્થા જેવી કે ઇયળ, કોશેટા અને પુખ્તમાં રોગ પેદા કરે છે. ઝેનોરહેબ્ડ્‌સ અને ફોટોરહેબ્ડસ નામના સહજીવી બેક્ટેરિયા અનુક્રમે સ્ટેઇનરનેમા અને હેટેરોરહેબ્ડીટીસ જાતિના કૃમિઓનાં આતરડામાં રહેલા હોય છે. રોગપ્રેરક કૃમિની સંક્રમિત કિશોરાવસ્થા કીટકના મુખ, શ્વસનરંધ્રો, ગુદા અને શરીરને પાતળી દીવાલ (ચામડી) માંથી શરીરમાં પ્રવેશે છે અને પછી જીવાતના લોહીમાં પ્રવેશ કરતાની સાથે તેના આંતરડામાં રહેલા સહજીવી બેક્ટેરિયા પણ દાખલ થઈ જાય છે. આમ કૃમિઓ સહજીવી બેક્ટેરિયાના વાહક તરીકે કામ કરે છે કે જે યજમાન કીટકમાં રોગ કરવા માટે જવાબદાર હોય છે. સંક્રમિત કિશોરાવસ્થા તેમના આંતરડામાં રહેલ બેક્ટેરિયાની કોશિકાઓ કીટકનાં લોહીમાં છુટા કરે છે. યજમાન શરીરમાં દાખલ થયા બાદ સહજીવી બેક્ટેરિયા કૃમિના શરીરમાંથી બહાર નીકળી આવે છે અને ધીરે ધીરે તેની સંખ્યામાં વધારો થાય છે. આ દરમ્યાન બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતાં વિષની માત્રામાં પણ વધારો થતો જાય છે. આ બેક્ટેરિયા કીટકના શરીરમાં અંદરના અગત્યના અવયવો ખાસ કરીને પ્રજનન તંત્ર પર આક્રમણ કરે છે અને કીટકમાં વંધ્યત્વ ઉત્પન્ન કરે છે. અસરગ્રસ્તનો વિકાસ રૂંધાતા તે ૪૮ કલાકમાં મૃત્યુ પામે છે. યજમાનના
મૃત્યુ પછી, રોગપ્રેરક કૃમિ યજમાન પેશીઓ પર ખાવાનું ચાલુ રાખે છે, પુખ્ત અને પુનરુત્પાદન કરે છે. સ્ટેઈનરનેમા અને હેટરોહેબ્ડીટીસ પ્રજાતિના કૃમિમાં રહેલા સહજીવી બેક્ટેરિયા ચયાપચય ક્રિયાને અનુલક્ષીને અસરગ્રસ્ત થયેલ ઇયળ અનુક્રમે ઘાટા કથ્થાઇ અને લાલ રંગમાં રૂપાંતરિત થાય છે.
યજમાન શ્રેણીઃ
રોગપ્રેરક કૃમિનો ઉપયોગ ખાસ કરીને એવી જીવાતના નિયંત્રણ માટે થાય છે કે જ્યાં રાસાયણિક રીતે નિયંત્રણ શક્ય ન હોય અથવા તો મુશ્કેલ હોય દા.ત. કેટલીક જીવાતો વૃક્ષોની અંદર કોરાણ કરી અંદર ભરાઈ રહેતી હોય છે અને કીટનાશક રસાયણો સામે પ્રતિકારક શક્તિ વિકસાવેલી હોય તેવી જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ થાય છે. રોગપ્રેરક કૃમિ મુખ્યત્વે જમીનમાં રહેનાર જીવાતો જેવી કે ધૈણ અને ઉધઈ પર અસર કરે છે. આ ઉપરાંત તે પાન પર નભનાર ઇયળો જે મુખ્યત્વે જમીન સાથે સંપર્કમાં આવે છે. તેવી રોમપક્ષ શ્રેણીની ઇયળના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. સ્ટેઈનરનેમા અને હેટરોહેબ્ડીટીસ પ્રજાતિના કૃમિ પાકને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે નીચે દર્શાવેલા લક્ષણોને અનુલક્ષીને સુરક્ષિત જૈવિક નિયંત્રક ગણવામાં આવ્યું છે.
• વિશાળ યજમાન શ્રેણી, જીવાતનો ઝડપી મૃત્યુદર (૨૪-૪૮ કલાક)
• ફાયદાકારક કૃમિના મોટા પાયા પર પ્રયોગશાળામાં ઉછેર માટે મીણનું ફૂદું (ગેલેરીયા મેલોનેલા) નામના કીટકની ઇયળનો ઉપયોગ કરી શકાય છે.
• લાંબા સમય સુધી સંગ્રહ તથા સરળતાથી છંટકાવ.
• બાયો પેસ્ટીસાઈડ સાથે સુસંગત, જીવાત સામે પ્રતિકારક ક્ષમતા નોંધાયેલ નથી.
• જૈવિક નિયંત્રકો સાથે સલામત.
જીવાતોના જૈવિક નિયંત્રણ માટે વપરાતા રોગપ્રેરક કૃમિઓની કેટલીક મર્યાદાઓ છે કે જેને લીધે તેનો ઉપયોગ ખાસ થતો નથી જેમકે, જુદા-જુદા વાતાવરણીય પરિબળો – તાપમાન સામે તે વધુ ગ્રાહ્ય હોય છે ઊંચા તાપમાન પર અવળી અસર કરે છે. રોગપ્રેરક કૃમિને સુકુ વાતાવરણ અનુકૂળ આવતું નથી. તેની અસરકારકતા માટે ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે. વધુમાં આ કૃમિની યજમાન કીટક શોધવાની ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે જેથી આવા જૈવિક નિયંત્રકોનો ખાસ લાભ મેળવી શકાતો નથી. પ્રયોગશાળામાં તેને મોટા પાયા પર ઉછેરી શકાય છે. તે અંગેની તાંત્રિક્તા પણ વિકસાવવામાં આવી છે. ગેલેરીયા મેલોનેલા (મધપુડામાં મીણ ખાનાર જીવાત) ની ઇયળનો ઉપયોગ પ્રયોગશાળામાં આવા કૃમિના ઉછેર માટે કરવામાં આવે છે. કુત્રિમ ખોરાક ઉપર પણ તેનો ઉછેર થઇ શકે છે.
ફાયદાકારક કૃમિનું ફોર્મ્યુલેશનઃ
જુદા-જુદા ફાયદાકારક કૃમિ આધારિત ઉત્પાદકોનું આયુષ્ય કૃમિની પ્રજાતિ, ફોર્મ્યુલેશન અને તાપમાન પર આધારિત હોય છે. ફાયદાકારક
કૃમિનો સંગ્રહ અને ફોર્મ્યુલેશન અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેવી કે વોટર ડિસ્પર્સિબલ ગ્રેન્યુલ્સ, વર્મીક્યુલાઈટ, આલજીનેટ જેલ અને બેઇટ્‌સ ફાયદાકારક કૃમિની પ્રજાતિ સંગ્રહ માધ્યમ અને સ્થિતિના આધારે ૨ થી ૫ મહિના સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. ભારતમાં કૃમિ આધારિત જૈવિક કિટનાશકો જુદા-જુદા વ્યાપારી નામે મળે છે.
ઉપયોગઃ
જમીનમાં રહી નુકસાન કરતી જીવાતો જેવી કે મુંડા (ધૈણ), લશ્કરી ઈયળ, નાળીયેરીના ગેંડા કીટકની ઈયળ, ઉધઈ તેમજ જમીનના સંપર્કમાં આવતી જીવાતોના અસરકારક નિયંત્રણ માટે ૪૦૦ થી ૪૫૦ લિટર પાણીમાં ૧ અબજ ઇન્ફેકટીવ જુવેનાઇલ પ્રતિ એકર છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત જમીનમાં આપવા માટે પાવડર રૂપે ૨૦ કિગ્રા. પ્રતિ હેક્ટર ૧૫૦ કિગ્રા ભેજવાળી રેતીમાં મિશ્રણ કરી મહિનામાં ૨ વખત આપવાથી જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. રોગપ્રેરક કૃમિઓ જમીનમાં આપતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે જેથી તેઓ યોગ્ય રીતે કાર્યશીલ થઇ લક્ષ્ય જીવાતો પર અસરકારક રીતે કામ કરી શકે.