જિલ્લા મથકેથી પંદરેક કિલોમીટર દૂર ઓઘડનું ગામ આવેલું.
નાનાં એવાં ગામમાં એક વખત રોગચાળો ફાટી નીકળ્યો. ઘેર ઘેર તાવના ખાટલાં ઢળાયા.
ગામના સરપંચ ઓઘડભાઈ અને જીવીને ચિંતા થવા લાગી.
ગ્રામ પંચાયતના સદસ્યોની સાથે એક મિટિંગ કરી અને વિચારણા કરી. તાલુકા પંચાયત કચેરીએ જાણ કરવાનું નક્કી થયું.
ઓઘડભાઈ અને એક સદસ્ય જમી કારવીને નીકળ્યા તાલુકા પંચાયત કચેરી જવા. કચેરીમાં ટી.ડી.ઓ.સાહેબને રોગચાળા બાબતે વિગતવાર વાતચીત કરી. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીને આ વિષે માહિતી આપી અને આગળની કાર્યવાહી માટે જરુરી પગલાં લેવા માટે વિનંતી કરી.
મામલાની ગંભીરતા જાણીને આરોગ્ય વિભાગની ટીમ મારતી ગાડીએ આવી પહોંચી.
ગ્રામ પંચાયતની ઓફિસે ઓઘડભાઈને બોલાવ્યા. કેટલાક દર્દીઓને ઘરે જઈને તપાસવામાં આવ્યા. દવા ઇન્જેક્શન વિગેરે સારવાર આપવામાં આવી.
એકાદ બે દિવસ આવી સારવાર ચાલી. ન તો તાવમાં ફેર પડયો. ના રોગચાળો અટક્યો.
ઉલટાના દસ બાર કેસનો વધારો થયો અને દસ બાર કેસ મોટાં શહેરમાં રીફર કરવાં પડ્યાં.
ડોક્ટરોની ટીમ ખડેપગે હતી છતાંય તાવ હટવાનું નામ નથી લેતો.
ગામલોકોને ચિંતા થવા લાગી.કે..,જો આમને આમ ચાલ્યું તો ગામ ખાલી થઈ જશે અને રોગચાળો વધું વકર્યો તો આજુબાજુનાં ગામને પણ રોગ ભરડો લઈ શકે છે.
ગામની ચિંતા જોઈને ઓઘડ અને જીવીને દસગણી વધારે ચિંતા થવા લાગી.
‘વિજ્ઞાન આટ -આટલું આગળ વધ્યું છે છતાંય એક તાવ નામનો રોગ પકડાતો નથી?? કોઈ દવા કારગત નિવડતી નથી?? હે.. ભગવાન..! આ બધું શું થવા બેઠું છે..!??’
જીવીએ માથે હાથ દઈને ચિંતાનો સરવાળો ભેગો કર્યો.
એ આમથી તેમ આંટા -ફેરા કરવા લાગી.
‘ડોક્ટરોની કારી ફાવતી નથી. દવા એનું કામ કરતી નથી. રિપોર્ટ બધા નોર્મલ જેવા આવે છે તો પછી આ તાવ છે કયો?? અને આવ્યો છે ક્યાંથી??
એનું પગેરું શોધવું પડશે.’
જીવીને ક્યાંય ચેન પડતું નહોતું. એ ઘડીવારે ‘ય પગ વાળીને બેસતી નહોતી.
ગોળી, હાંડો, ગાગર અને સિસણીયું લઈને એ નીકળી પડી.
ગામ લોકોને જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું તે કૂવાની તપાસ કરી.
ગાગરને ડોકે સિસણીયું બાંધી ગાગરને ઊંડા કૂવામાં ઉતારી. બે ચાર હલેસાં મારી સિસણીયું ભારે લાગ્યું, એટલે ઉપર ખેંચવાનું શરું કર્યું. પાણી ભરેલી ગાગર ઉપર આવી અને જીવીને આશ્ચર્ય થયું. પાણીમાંથી દુર્ગંધ આવતી હોય એમ લાગ્યું. આ દુર્ગંધ કૂવાની જ છે એ નક્કી કર્યું.
જીવીએ ગામમાં આવી ડોક્ટરો સહિત બધાને આ વાત કહી. અને સૌ આવી પૂગ્યાં પાણી છેડે.
એક ડોલ કૂવામાં ઉતારીને કૂવાનું પાણી બહાર કાઢ્યું તો!
પાણી સાથે ડોલ તીડથી ભરેલી જોઈને બધાંને ખૂબ જ નવાઈ લાગી!.
રોગચાળાનું કારણ હવે નજર સામે હતું. ગામમાંથી ખાટલો મંગાવીને કૂવામાં ઉતારવામાં આવ્યો. બે વ્યક્તિઓને પણ સૂંડલા સાથે ખાટલા ઉપર ઉતાર્યા.
અસંખ્ય તીડનો ઢગલો જોઈને ગામ લોકો સાથે ડોક્ટરોની ટીમ બધા આભા બની ગયા.
સૌ વિચારવા લાગ્યાં કે આટલા બધા ટીડડા કૂવામાં આવ્યાં ક્યાંથી !.?
જીવી બોલી,”આપણે કૂવાની ઓરડીના ખૂણે જે લેમ્પ લટકાવી રાખ્યો છે. લાઇટ છે કે નહીં તે દૂરથી દેખાય એટલાં માટે. એ લેમ્પ દિવસ રાત સતત ચાલુ જ હોય છે. એને લીધે આ ટીડડા સાંજે પ્રકાશથી પ્રભાવિત થઇને કૂવામાં પડ્યાં હશે !”
પછી તો આરોગ્યની ટીમે કૂવો સાફસૂફ કરાવ્યો. કૂવાના પાણીનો નિકાલ કરાવ્યો. કૂવામાં દવા નાખવામાં આવી. નવા પાણી આવ્યાં.
આખા ગામમાં જાણ કરવામાં આવી, કે પીવાના પાણીના ગોળામાં પાણી ભર્યું હોય તે ખાલી કરી નાખવું અને હવે આવેલું નવું પાણી ભરવું.
દૂષિત પાણી પીવાને લીધે ઘેર ઘેર માંદગી ફેલાઈ હતી અને તાવ વકર્યો હતો.
છપ્પનની છાતી ધરાવતાં ઓઘડ અને જીવીની કાળજી અને જાગૃતિને કારણે ગામમાંથી રોગચાળો ગયો અને ઘરે ઘરે લાપસીના આંધણ મૂકાણા.
મૂળ વાર્તાઃ- રમેશચંદ્ર એમ. રાવલ. બગસરા.
રી રાઈટ:- કાળુભાઈ ભાડ, અમરેલી.