ગુજરાત સરકારે રેશનકાર્ડ ધારકો માટે ડિજિટલ ઇન્ડિયા અને સુલભ શાસનની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા વિનામૂલ્યે ઈ-કેવાયસી કરાવી શકશે. સબસિડીયુક્ત અનાજ મળતું રહે અને કાર્ડધારકોની પાત્રતા સુનિશ્ચિત થાય તે માટે ઈ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત છે, જેને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૩૦ જૂન, ૨૦૨૫ છે. ભારતીય ડાક વિભાગ અને ગુજરાત રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના કરાર હેઠળ આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે, જે ઈ-કેવાયસી પહેલા કરવામાં આવશે. જો કોઈ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય તો રેશનકાર્ડ ધારક નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.