પોતાની પાર્ટી અને સરકારને મુશ્કેલીમાં મૂકતું વધું એક નિવેદન ભાજપ સાંસદ વરુણ ગાંધીએ આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટી લાઈનથી અલગ હટીને નિવેદન આપી રહેલા વરુણ ગાંધીએ હવે એક મોટું નિવેદન આપતા એવો સવાલ ઊભો કર્યો કે હવે નક્કી કરવાની જરુર છે કે રેલીઓ જરુરી છે કે કોરોનાને રોકવો.

વરુણ ગાંધીએ એક ટ્‌વીટમાં કહ્યું હતું કે, રાત્રે કર્ફ્‌યુ લાદવામાં આવી રહ્યો છે અને દિવસ દરમિયાન લાખો લોકો રેલીઓમાં એકઠા થઈ રહ્યા છે. આ વિકાસ સામાન્ય લોકોની સમજની બહાર છે. વરુણ ગાંધીએ સોમવારે ટ્‌વીટ કર્યું હતું કે, “રાત્રે કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો અને દિવસ દરમિયાન રેલીઓમાં લાખો લોકોને બોલાવ્યા હતા – તે સામાન્ય લોકોની સમજની બહાર છે. આ જ ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશમાં મર્યાદિત આરોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે પ્રામાણિકતાથી નક્કી કરવું પડશે કે અમારી પ્રાથમિકતા આપત્તિજનક ઓમિક્રોનના ફેલાવાને રોકવાની છે કે ચૂંટણી સત્તા બતાવવાની છે. ‘

વરુણ ગાંધીએ કહ્યું કે શાસકોએ સામી છાતીએ નેતૃત્વ કરવું જાઈએ જેથી કરીને સામાન્ય લોકોને ઘરોં રહેવા માટે પ્રેરિત કરી કાય. તેમણે કહ્યું કે સામાન્ય રીતે વધારે સંક્રમણ દિવસે થતું હોય છે રાત તો રસ્તા પર લોકોની ઓછી અવરજવર રહેતી હોય છે.

વરુણ ગાંધીએ એક મહત્વનો સવાલ છેડ્યો હોવાનુ નિષ્ણાંતોને લાગી રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યાં છે કે નેતાઓની મોટી મોટી રેલીઓને કારણે કોરોના વકરતો હોય છે. આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને હાલમાં દેશમાં ઓમિક્રોનનો મોટો ખતરો છે આવી સ્થિતિમાં ચૂંટણી યોજવી ભારે પડી શકે છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે અને આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપ સાંસદ વરુણ ગાંધીનું આ નિવેદન ખૂબ સૂચક છે.