સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ફાટકમેને સુરક્ષાને ધ્યાનમાં રાખી ફાટક ન ખોલતાં નિવૃત્ત આર્મી મેને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત રેલ્વે ટ્રેક વચ્ચે ઉભા રહીને ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ અંગે બાઢડા ફાટક મેન તરીકે નોકરી કરતાં મૂળ ઉત્તર પ્રદેશના આલાપુર તાલુકાના બહોરીકપુરના સૌરભભાઈ રામશકલભાઈ વર્માએ બાઢડા ગામના નિવૃત્ત આર્મી મેન અશ્વિનભાઈ જમોડ (ઉ.વ.૪૦) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ૨૫-૦૫-૨૦૨૨ના રોજ ટ્રેન પસાર થવાની હોવાથી તેમણે બાઢડા રેલ્વે ફાટક બંધ કર્યું હતું. તે સમયે આરોપી બાઇક લઇને સાવરકુંડલા જતા હતા પરંતુ ફાટક બંધ હોવાથી બાઇક પરથી નીચે ઉતરી ગાળો બોલી ફાટક ખોલવા કહ્યું હતું. જેથી તેમણે સુરક્ષાને ધ્યાનમાં લઈ ફાટક ન ખોલતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આરોપીએ રેલ્વે ટ્રેક વચ્ચે ઉભા રહીને ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.કે.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.