અમરેલી જિલ્લા પંચાયત હસ્તકની રેતી અને સ્ટેમ્પ ડયૂટીની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં ફાળવાયેલ ગ્રાન્ટનું પેકેજ કરી ઓનલાઈન ટેન્ડર દ્વારા એજન્સી ફિકસ કરી કામ હાથ ધરાશે તેવી ચર્ચાએ અમરેલી જિલ્લામાં જોર પકડયુ છે. આ અંગે વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારી સાથે ટેલીફોનિક વાત કરી સમગ્ર બાબત અંગે તેમનું ધ્યાન દોરી રજૂઆત કરેલ હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ એક અફવા હોવાનું જણાવ્યું હતું અને જિલ્લા પંચાયત હસ્તકની રેતી અને સ્ટેમ્પ ડયૂટીની બંને ગ્રાન્ટ ગ્રામ પંચાયતને જ ફાળવાશે અને પાંચ લાખની મર્યાદામાં કામો જે તે ગ્રામ પંચાયત જ કરી શકશે તેવુ ડીડીઓએ પૂર્વે સાંસદને જણાવ્યું છે. આથી સરપંચોએ આવી કોઈ અફવાઓ કે ગામમાં કોઈ સર્વે કરવા એજન્સી આવે અથવા તો કોઈપણ કર્મચારી ટેન્ડરની વાતો કહે તો તેની વાતોમાં ન આવવું અને રેતી તથા સ્ટેમ્પ ડયૂટીની ગ્રાન્ટનાં પાંચ લાખની મર્યાદામાં કામો ગ્રામ પંચાયત જ કરશે.