લીલીયા તાલુકાના ભેંસવડી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ભરતભાઈ ઠુંમર દ્વારા અમરેલી કલેકટરને પત્ર પાઠવી ખનીજ ચોરી અટકાવવા બાબત રજૂઆત કરવામાં આવેલ જે પત્રમાં જણાવેલ કે ભેંસવડી ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ચોરી શેત્રુંજી નદીમાંથી થઈ રહી છે જેની અવારનવાર રજૂઆત પણ કરવામાં આવેલ હોય તાજેતરમાં દિવાળીની રજામાં મોટા ડમ્પર તેમજ ટ્રેક્ટર મારફત રેતી ભરીને પુર ઝડપે ચલાવતા હોય જેમાં ભેંસવડી લીલીયા માર્ગ સંપૂર્ણ નાશ થવા પામેલ છે જેથી ગામ લોકોએ સાથે મળીને રેતી ચોરી અટકાવવા માટે ગામના પાદરમાંથી એક માત્ર રસ્તો શેત્રુંજી નદી તરફ જાય છે જે મોટો રોડ નથી કે જ્યાં સરકારી એસ.ટી., પ્રાઇવેટ બસ જેવા વાહનો ચાલતા નથી માત્ર રેતી ચોરી કરવાવાળાના ડમ્પર જ ચાલે છે જેથી આ રસ્તા ઉપર ગામ લોકોએ આઠ ફૂટ ઊંચી ચેનલ મારીને ભારે વાહનો, ટ્રક, ડમ્પર ન જઈ શકે તેવી રીતે બંધ કરેલ છે. ખેડૂતોના ખેતરમાં મોટા ટ્રેક્ટર, મીની ટેકટર આરામથી જઈ શકે તે રીતે વ્યવસ્થા કરેલ છે પરંતુ રેતીચોરી કરતા માથાભારે તત્વોએ આ ચેનલ તોડવાનો પ્રયાસ કરેલ છે તેવા સંજોગોમાં ગામ લોકોએ ફરી એકઠા થઈ આવા રેતીચોરી કરતા ટ્રક, ડમ્પર વાળાને સૂચના આપી છે કે હવે પછી અમારી ચેનલને નુકસાન કરશો તો અમારે નાછૂટકે નામજોગ ફરિયાદ કરવી પડશે. આવી ગંભીર બાબતો પત્ર મારફત કલેકટરને પાઠવવામાં આવેલ છે.