મોટી કુંકાવાવ ખાતે રહેતા એક શખ્સે બગસરા રોડ પર આવેલી દરગાહ ખાતે બપોરના સમયે ઝેરી પાવડર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ કુંકાવાવ બાદમાં વધુ સારવાર અર્થે અમરેલી અને પછી રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. મોટી કુંકાવાવમાં રૂ પીંજવાનું કામ કરતા ૩૫ વર્ષીય ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ મુલતાનીએ છેલ્લા બે વર્ષની અંદર જુદી-જુદી ફાઇનાન્સ કંપની તથા બેંકમાંથી કામધંધા માટે આશરે રૂ.૧૫,૫૦,૦૦૦/- ની પોતાના રહેણાંક મકાન પર લોન લીધી હતી. તે લોનના પૈસા પોતે ભરપાઇ કરી શકે તેમ ન હોય અને હાલમાં કામ ધંધો બરાબર ચાલતો ન હોય અને બેંક તથા ફાઇનાન્સ વાળા લોનના હપ્તા ભરી દેવા દબાણ કરતા હોય તેથી પોતાની જિંદગીથી કંટાળીને પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી દવાનો પાઉડર પી લેતા સારવાર માટે દાખલ થયા છે.