અમરેલી ખાતે દાદા ભગવાનના મંદિરે અગ્રણી ઉદ્યોગપતિઓ, બાબુભાઈ ચોડવડિયા (જીરાવાળા) અને દિનેશભાઈ કુંભાણી, દ્વારા માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને આશરે રૂ.૨ કરોડની માતબર આર્થિક સહાય પૂરી પાડીને સમાજસેવા અને વતનપ્રેમનો અનોખો દાખલો બેસાડ્યો છે. આ ઉમદા કાર્ય બદલ અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા તેમનું ‘ઋણસ્વીકાર કાર્યક્રમ’માં સન્માન કરવામાં આવ્યું હતું. જીરા ગામના વતની બાબુભાઈ ચોડવડિયાએ માનવતાની ઉત્કૃષ્ટ પહેલ કરતાં તેમના ગામની સમગ્ર મંડળીનું બાકી રહેલું દેવું ચૂકવી દીધું હતું, જેણે ગામમાં નવી આશા જગાવી છે. બીજી તરફ, દિનેશભાઈ કુંભાણીએ જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, શેમરાણા અને શેખડાવદર સહિત કુલ પાંચ ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.૧૧,૦૦૦ની સહાય, કોઈપણ હેક્ટર મર્યાદા વિના, આપી હતી. ખેડૂત અગ્રણી પ્રફુલભાઈ સેંજલિયાએ બંનેને “ખેડૂતોના સાચા દાતા” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે કપરા સમયમાં ખેડૂતોને અત્યાર સુધી કોઈએ ન કરી હોય તેવી મદદ કરી છે. આ સન્માન સમારંભમાં અમરેલી જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓ અને સમાજસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને દાતાઓનું સન્માન થતા દાતાઓને આભાર વ્યકત કર્યો હતો.










































