જન્માષ્ટમીની રજાઓ પૂરી થઈ અને હવે ફરી એની એ જ દિનચર્યાની ફરી શરૂઆત થઈ તો પણ હજુય વનવગડો આપણને સાદ કરીને બોલાવે છે. સાવ અલગારીની જેમ પ્રકૃતિ તરફ રખડવા નીકળી પડવું એ તો કોઈ-કોઈના નસીબમાં જ લખેલું હોય છે. એ વૈભવ કંઈ એમ બધાને મળી જતો નથી. આપણામાં એક ભાન છે કે આપણે સહુ મનુષ્ય છીએ. પરંતુ મનુષ્યના સર્વ ગુણો કંઈ સોળેય કળાએ આપણામાં ખીલેલાં નથી. છે પરંતુ ઓછા વત્તા અને ક્યાંક તો એ ગુણવૈવિધ્યનો અંશ પણ જોવા ન મળે એવો એટલે કે માણસાઈનો દુષ્કાળ હોય છે. આનો દોષ કોઈને આપવાની ઉતાવળ કરવા જેવી નથી. બહુ બારીક રીતે જોશો તો ખ્યાલ આવશે કે માણસજાત જેમ જેમ કુદરતથી દૂર ભાગતી ગઈ એમ એનામાં દેવતાઈ લખ્ખણ કે સારપ ઘટતા ગયા. આજે માતાપિતા પોતાના સંતાનોના ભવિષ્ય માટે ચિંતિત છે. એમને મુખ્ય ચિંતા એ સતાવી રહી છે કે આ બાળકો મોટા થાય પછી કે હવે મોટા થયા છે એવા આ ટાણે એમને ક્યાંક જમાનાનો વાયરો લાગી જશે તો ?
જેઓ ખરેખર પોતાની આવનારી નવી પેઢીને જેને તેઓ જમાનાનો વાયરો કહે છે એમાં આવતા તમામ અપલખ્ખણોથી બચાવવા ચાહતી હોય તો એનો એક જ ઉપાય છે કે એને કુદરતની સાવ નજીક રાખો. આજે સંતાનો પાસે સમય છે પણ વડીલો પાસે સમયની પકથાણ નથી. કુદરત માનવ હૃદયની કેળવણીની કીમિયાગર છે. એ જ કારણ છે કે આપણા ઉપનિષદો અને વેદો સહિતના સર્વ શાસ્ત્રો ગાઢ જંગલો વચ્ચે રચાયેલા છે. ભૂગોળ કંઈ સામાન્ય વિષય નથી. જેના ફળિયા મોટા હતા, એમના મન પણ મોટા હતા. આપડે સાંકડને વહાલી કરી. અરે ખાટલાય એવા થઈ ગયા કે પડખું ફરવા જાઓ તો હેઠાં પડો. કુદરત સાથે નાતો હોય ત્યાં સુધી દૂર ક્ષિતિજ લગણ લહેરાતા ખેતરો આંખોમાં છવાયેલા હોય.
હવે રૂપિયો બે વ્હેંત ટૂંકો થઈ ગયો છે અને રૂપિયો ગાડાના પૈડાં જેવડો હતો એવી વાતો ખાલી લોકજીભે બાઝેલી રહી છે. પણ ટૂંકે રૂપિયે પણ મોટા મન રાખનારા લોકો સંસારમાં છે, જેઓ સદાય અજાણ્યાના આંસુ લૂછવા માટે તત્પર હોય છે. ટુકડો, હરિ ઢુંકડો એમ અમથું તો નહિ કહ્યું હોય. સૌરાષ્ટ્રના સંખ્યાબંધ તીર્થસ્થાનોમાં સદાવ્રત ચાલે છે અને ત્યાં દર સપ્તાહે લાખો લોકો ભોજન પ્રસાદ આરોગે છે. ધર્મની ધજા ફરકાવતા બધા સંપ્રદાયમાં આ તાકાત નથી. અરે કેટલાક સંપ્રદાયોએ તો રેસ્ટોરન્ટો ચાલુ કરીને ધરમધજાતળે ધાન વેચવાનો વેપલો પણ આદર્યો છે. સમાજ એને એટલે સ્વીકારે છે કે એ બહાને વિશ્વસનીય અને પરિશુદ્ધ આહાર તો મળે છે. ધર્મસ્થાનોનું કામ રોટલો વહેંચવાનું છે, રોટલો વેચવાનું નથી. સૌરાષ્ટ્રમાં એટલે જ જે મહાન ધર્મસ્થાનો છે એને ‘જગ્યા’ કહેવામાં આવે છે. આપા ગીગાની જગ્યા સતાધારમાં છે. જલારામ બાપાની જગ્યા વીરપુરમાં છે.
એ જ રીતે સત દેવીદાસ અને અમર મા ની જગ્યા છે. સૌરાષ્ટ્રમાં આવી અનેક ‘જગ્યા’ઓ છે. જગ્યા એને કહેવાય જ્યાં જરાક પલોંઠી વાળો કે તુરત થાળી તૈયાર. એ જ ખરી ધર્મધજાઓ છે. સૌરાષ્ટ્ર એના આધારે જ ટકી રહ્યું છે. આપડા ચલાળામાં દાન બાપુની જગ્યા છે. આ બધીય મોટા મન અને વિશાળ હૃદય ધરાવતા આપણા મહાન કાઠિયાવાડી પૂર્વજોની જગ્યા છે. ભોજા ભગત બોલ્યે કેવા આખા હશે ઈ એના ચાબખામાં આજેય સંભળાય છે. વાણીની આવી કડવી ઔષધિ વહેંચીને એમણે આખા ગુજરાતના ધરમના નામે ધતિંગ ચલાવતા લોકોના દંભ, દેખાડા અને નાટકના પાપ ધોયા હતા. એમનું કામ ખાલી આત્મોદ્ધારનું ન હતું. લોકજીવનને અજવાળવું એ એક જ એમનો ધર્મ હતો. કદાચ હરિનામ લેતા લેતા ભગવાન ન મળે તો ચાલે, પણ આંગણે આવેલો અતિથિ ભૂખ્યો જાય ઈ તો કોઈ કાળે નો ચાલે. રોટલે મોટા ઈ બધીય રીતે મોટા એમ એટલે જ કહેવાય છે. કોઈને આધાર, આશ્રય ને અન્નપાણી આપનારામાં જ આપણી પ્રજાએ દેવોનો પડછાયો જોયો છે ને ત્યાં એમને ઓટલે જ માથું ટેકવ્યું છે.
સૌરાષ્ટ્રમાં તો ફરવા જવાના મોજમજાના સ્થળોની તુલનામાં ધરમતીર્થો વધુ ભરચક રહે છે. આ વખતની આઠ્‌યમમાં પણ ધર્મસ્થાનોમાં હૈયેહૈયું દળાતું જોવા મળ્યું. આપડા લોકજીવનમાં દેવદર્શન એ જ ખરી મોજ છે. આ બહુ નવાઈની વાત છે અને દક્ષિણ ભારતમાં પણ આવું જ ચિત્ર છે. દક્ષિણમાં તો એક પર્વત કે ટેકરી એવી નથી જ્યાં મંદિર ન હોય. દક્ષિણની પ્રજા મુખ્યત્વે શિવકુમાર કાર્તિક સ્વામી અને ભગવાન વિષ્ણુની ઉપાસક છે. ભારતીય ચારેય વેદની કંઠોપકંઠ પરંપરા દક્ષિણમાં સચવાયેલી છે. દક્ષિણના મંદિરો એના જનજીવનના પ્રમુખ ચેતના કેન્દ્રો છે. પશ્ચિમ ભારતે તો જેની કદી કલ્પના પણ કરી ન હોય એવા દારિદ્ર્‌ય અને દુઃખમાંથી એ પસાર થયેલી છે અને હજુય મહદંશે તો રંક છે. એમની શ્રદ્ધાનું કિરણ સદાય દેવમંદિરોમાંથી પ્રગટ થઈને એની દિનચર્યા પર પ્રસરે છે.
સમાજમાં કદાચ બે-પાંચ મંદિરો ઓછા હશે તો ચાલશે પણ માણસાઈના દીવા વગર નહિ ચાલે. હજુ તો દેશમાં આર્થિક સંકડામણની શરૂઆત છે. વિદ્વાનો કહે છે કે ભારતીય પ્રજાના પુરુષાર્થને કારણે મંદી અહીં બહુ ટકતી નથી. થોડોક સમય એના હવા અને હવામાન રહે છે પણ પછી તરત જ મોસમ બદલે છે અને ગુલાબી ચિત્રની શરૂઆત થાય છે. જુના કાઠિયાવાડની પરંપરા જુઓ તો બધાના ફળિયે કંઈ રાજપાટ ન હતા. કાલ સવારે દિવસ કેવો શરૂ થશે અને કેમ પૂરો થશે એનીય એ પ્રજાને ખબર ન હતી. પરંતુ એક વાત નક્કી હતી કે દિ’ ગમે તેવો ઉગે એ લોકો મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા, કદી કોઈ પાસે યાચના ન કરતા અને અતિથિ કે અભયાગતનું ઓશિંગણ બની રહેતા. ગામને પાદરે માણસ માટે પરબ અને પશુઓ માટે છલોછલ અવેડા હતા એનો અર્થ જ એ હતો કે ગામમાં અજાણ્યા ને અંતરિયાળ અટકેલાઓનો વિચાર તો કરવામાં આવે છે. મોટા મહેલો ખડકેલા હોય પણ એમાં આવનારા લોકનો પગ ઉપડતો ન હોય તો એનો કોઈ અર્થ નથી.
બીજાનો વિચાર કરવો એ ધર્મ છે. જે બીજાઓના દુઃખનો વિચાર કરવાના સંસ્કાર ધરાવતા હોય એનામાં જ વાત કરવાનો વિવેક હોય. પરોપકારી સજ્જન કદી ભાઈ-ભાંડરડાં કે માતાપિતાને વડકા ન ભરે. પત્નીને પણ હળવે અવાજે સાદ કરે. એના ઘરમાં વનરાવન જેવી મીઠી મોરલી જેવું એયને ટાઢા કોઠાનું વાતાવરણ હોય. અરે તડકે કે વરસાદમાં એવા સજજનોના નેવા નીચે ઘડી-બ-ઘડી ઊભા રઈયે ને તોય મા પારવતીના ખોળે હોઈયે એવા વાત્સલ્યનો એમનેમ અનુભવ થાય. ખોરડાં રાખવા તો એવા રાખવા કે એની હારે મન પણ મોટાં હોય. મોટા માથા થવાથી કાંઈ વળતું નથી, ખાલી ઉપાધિ વધે છે, પણ મોટા મન ધારણ કરવાથી તો આપડો ને આપડા લગત સહુનો પગલે પગલે ઉદ્ધાર થઈ જાય છે હો….!