ખાંભા તાલુકાના રૂગનાથપુર ખોડીથી મોટા સમઢીયાળા જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તા પર કાંકરા વિખરાયેલા હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને નાના વાહનો, પશુપાલકો અને ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો સાવરકુંડલા અને ખાંભાને જોડતો હોવાથી વાહનચાલકોને અવારનવાર અકસ્માતનો સામનો કરવો પડે છે. આ રસ્તા પર ટુ-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. રસ્તાની બંને બાજુએ કોન્ક્રીટ પાથરવામાં આવી છે પરંતુ ડામરનું કામ ઘણા સમયથી પૂર્ણ થયું નથી. આને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકો આ સમસ્યાથી પરેશાન થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.