રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે પોતાના અંગો દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ મુદ્દે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ઉમદા કાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પહેલાં રિતેશ દેશમુખે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે અંગ દાનની પ્રતિજ્ઞા વિશે વાત કરી હતી. તેના વિશે તેઓ ઘણા લાંબા સમયથી વિચાર કરતા હતાં, તેણે લખ્યું,’કોઈને જીવનની ભેટથી વધુ સારી કોઈ ભેટ ન હોઈ શકે, મેં અને જેનિલિયાએ અમારા અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે આપને વિનંતિ કરીએ છીએ કે આપ પણ આ ઉમદા કાર્યમાં જાડાઓ અને ‘જીવન પછી પણ જીવનનો ભાગ બનો.”
રિતેશે આગળ કહ્યું,’અમે આપને જણાવવા માગીએ છીએ કે અમે બંનેએ એક પ્રતિજ્ઞા લીધી છે. અમે બંનેએ અમારા અંગો દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.’ જેનિલિયાએ કહ્યું, ‘હા અમે પ્રતિજ્ઞા લીધી છે અને અમારા માટે જીવનથી મોટી કોઈ બીજી ભેટ નથી.’
તેથી હવે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમના અધિકૃત એક્સ અકાઉન્ટ પર આ કલાકારોનો આભાર માનવામાં આવ્યો હતો. રિતેશ અને જેનિલિયાના આ વીડિયો સાથે લખવામાં આવ્યું હતું, ‘આભાર, રિતેશ જેશમુખ અને જેનિલિયા, બોલિવૂડ સ્ટાર કપલ, જુલાઇના અંગદાન મહિના દરમિયાન અંગદાનની પ્રતિજ્ઞા લેવા બદલ આપનો આભાર. આ કાર્ય અન્યોને પણ ઉમદા કાર્યમાં જાડાવા માટે પ્રેરણા આપશે.’