નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની રિજિયોનલ ઓફિસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે કામ કરતા રોહિત ભાદરકા ઉર્ફે ગગોએ ગુરુવારે સવારે ઓફિસમાં આવી એક વીડિયો બનાવીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેમાં તેણે રિજિયોનલ ડાયરેક્ટર ડા. અમોલ પાટીલ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ પગલું ભરતા પહેલા તેણે આ વીડિયોને ઓફિસના અન્ય કર્મીને મોકલ્યો હતો, સાથે જ પોતાના મોબાઈલનો પાસવર્ડ પણ મોકલ્યો હતો.
ઘટના બાદ નવરંગપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રોહિતના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આપઘાત કરનાર રોહિત ગીતામંદિર વિસ્તારની પઠાણની ચાલીમાં તેના પિતરાઈ ભાઈ સાથે છેલ્લા ૯ વર્ષથી રહેતો હતો અને નવરંગપુરાના નેચર વ્યુ બિલ્ડીંગમાં આવેલી સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ મંત્રાલયની ઓફિસમાં ૭ વર્ષથી કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે કામ કરતો હતો. જોકે ગતરોજ(ગુરુવારે) એક વીડિયો બનાવી તેણે જીવન ટૂંકાવ્યું છે.
વીડિયોમાં તેણે ડા. અમોલ પાટીલ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેણે ડા. અમોલ પાટીલ અને ઓફિસની એક મહિલા કર્મચારી જીગીશાને કેફેમાં સાથે ચા પીતાં અને વાતચીત કરતાં જોયા હતા. એ ડા. અમોલ પાટીલે થોડા મહિના પહેલાં ડાયરેક્ટરનો ચાર્જ મળ્યો હતો, ત્યારથી તેમણે રોહિતને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
રોહિતે વીડિયોમાં આક્ષેપ કર્યો કે, ડા. અમોલ પાટીલ રોજ તેને ધમકાવતા હતા અને કહેતા કે, “તું અહીં કામ કરવા આવે છે કે બેસવા? નહીં તો કાલથી કામ પર ન આવતો.” આ ઉપરાંત, તેમણે રોહિતને સ્ટાફ સામે ખખડાવવા ઉપરાંત, ૮ કલાકની નોકરીને બદલે ૧૦-૧૧ કલાક કામ કરાવ્યું, ઘરે બોલાવીને કામ કરાવ્યું અને ગાડીની સફાઈ પણ કરાવી હોવાના આક્ષેપ પણ રોહિતે વીડિયોમાં કર્યા હતા. વધુમાં તેણે જણાવ્યું કે, કોરોના સમયે ઓફિસનું બજેટ ન હોવા છતાં તેણે ૮-૯ મહિના વગર પગારે કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ડા. અમોલ પાટીલ અને મહિલા કર્મચારીએ સાથે મળીને તેને હેરાન કર્યો, જેના કારણે તે આ પગલું ભરવા મજબૂર થયો હતો.
ઘટના બાદ રોહિતના પિતરાઈ ભાઈ સંજય ભાદરકાએ ડા. અમોલ પાટીલ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને
એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રોહિતનો મોબાઈલ કબજે કરીને એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે, જેમાં ડા. અમોલ પાટીલ વિરુદ્ધના પુરાવા હોવાનો રોહિતે વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. એસીપી એચ. એમ. કણસાગરાએ જણાવ્યું કે, “આ મામલે ડા. અમોલ પાટીલ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટાફના નિવેદનો લેવામાં આવશે અને આપઘાત પહેલાંનો વીડિયો પણ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાશે.” પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.