લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ૧૭ ઓગસ્ટથી બિહારમાં મત અધિકાર યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે ૧૭ ઓગસ્ટથી મત અધિકાર યાત્રા સાથે, અમે બિહારની ધરતી પરથી મત ચોરી સામે સીધી લડાઈ લડી રહ્યા છીએ.રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું, ‘૧૭ ઓગસ્ટથી મત અધિકાર યાત્રા સાથે, અમે બિહારની ધરતી પરથી મત ચોરી સામે સીધી લડાઈ લડી રહ્યા છીએ. આ ફક્ત ચૂંટણીનો મુદ્દો નથી – આ લોકશાહી, બંધારણ અને ‘એક માણસ, એક મત’ ના સિદ્ધાંતના રક્ષણ માટે એક નિર્ણાયક લડાઈ છે. અમે ખાતરી કરીશું કે સમગ્ર દેશમાં સ્વચ્છ મતદાર યાદી તૈયાર થાય. યુવાનો, કામદારો, ખેડૂતો – દરેક નાગરિક, ઉભા થાઓ અને આ જન આંદોલનમાં જાડાઓ. આ વખતે, મત ચોરોની હાર – જનતાનો વિજય, બંધારણનો વિજય.’તમને જણાવી દઈએ કે આ યાત્રા ૧ સપ્ટેમ્બરના રોજ પટનામાં સમાપ્ત થશે. આ દરમિયાન, રાહુલ ગાંધી ૨૩ જિલ્લાઓની મુલાકાત લેશે અને લોકોને મતદાતા અધિકારો વિશે જણાવશે. તેમનો ઉદ્દેશ્ય ચૂંટણી પંચની કથિત અનિયમિતતાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે.
નોંધનીય છે કે બિહાર મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન પ્રક્રિયા પછી, ભારતના ચૂંટણી પંચે ૧ ઓગસ્ટના રોજ પ્રથમ સુધારેલ મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પાડ્યો. રાજ્યના તમામ ૩૮ જિલ્લાઓ માટે જારી કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં, પટણા જિલ્લામાં સૌથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જ્યારે મધુબની બીજા સ્થાને છે અને પૂર્વ ચંપારણ ત્રીજા સ્થાને છે.










































