મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ ઈસ્યું કર્યુ છે. વીર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે સમન્સ ફટકારીને હાજર થવા કહ્યું છે. નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કેદુસ્કરે ૨૭ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને આ સંદર્ભમાં નોટિસ ફટકારી કરીને કહ્યું હતું કે દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.
રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. ફરિયાદી એક એનજીઓના ડાયરેક્ટર છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર ૨૦૨૨માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ ભાષણ સાંભળ્યું અને જાયું છે.
ફરિયાદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પછી આરોપ લગાવ્યો કે સાવરકરે હાથ જાડીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી અને બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન પણ આપ્યું. તમામ દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, આરોપી દ્વારા દેશભક્ત વ્યક્તિ સામે આપવામાં આવેલા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા જણાય છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે, કેસમાં આગળ વધવા માટે પૂરતા આધાર છે. આ પછી કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ અને ઈરાદાપૂર્વક અપમાન સંબંધિત કલમો હેઠળ નોટિસ જાહેર કરી હતી.