કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે દાખલ કરાયેલી અરજીનો નિકાલ કરી દીધો છે, એટલે કે કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ કોર્ટે કેન્દ્ર સરકારને ૧૦ દિવસનો સમય આપ્યો હતો અને એક સ્પષ્ટ રિપોર્ટ માંગ્યો હતો જેમાં સરકારે જણાવવું પડે કે રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં.

રાહુલ ગાંધીને મોટી રાહત આપતા, અલ્હાબાદ હાઈકોર્ટ લખનૌ બેન્ચે તેમની નાગરિકતાને પડકારતી અરજીનો નિકાલ કર્યો છે. જો કે, આ નિર્ણય સાથે હાઇકોર્ટે અરજદાર એસ વિગ્નેશ શિશિરને ખાસ મુક્તિ આપી છે. કોર્ટે કહ્યું છે કે તે આ મામલે અન્ય કાનૂની વૈકલ્પીક વિકલ્પો અપનાવી શકે છે.

સોમવારે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના જસ્ટીસ એ.આર. મસૂદી અને જસ્ટીસ રાજીવ સિંહની બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકાર અરજદારની ફરિયાદના નિરાકરણ માટે કોઈ સમય મર્યાદા આપી શકતી નથી. આવી સ્થિતિમાં, આ અરજીને પેન્ડીંગ રાખવાનો કોઈ અર્થ નથી. કોર્ટે અરજદારને કહ્યું કે તે અન્ય વૈકલ્પીક કાનૂની ઉપાયો અપનાવવા માટે સ્વતંત્ર છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અરજદારે દાવો કર્યો હતો કે તેમની પાસે બ્રિટિશ સરકારના કેટલાક ઈ-મેલ સાથેના બધા દસ્તાવેજા છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. અરજદારે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારતમાં ચૂંટણી લડવા માટે લાયક નથી અને તેઓ લોકસભાના સભ્ય પણ બની શકતા નથી. અરજદારે માંગ કરી હતી કે આ મામલે સીબીઆઈ દ્વારા કેસ નોંધવામાં આવે અને તપાસ પણ કરવામાં આવે.