કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની જૂની બેઠક અમેઠી છોડીને આજે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા,રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે પણ જોવા મળ્યા હતા. સોનિયા ગાંધી ૨૦૦૪થી આ સીટ પર સાંસદ છે. આ વખતે સોનિયા ગાંધી રાજ્યસભામાં ચૂંટાયા છે.
આજે સવારે જ કોંગ્રેસ દ્વારા અમેઠી અને રાયબરેલીની બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ બપોરે ૨.૧૫ કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. આજે સવારે ખુદ રાહુલ ગાંધી વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી ફુરસતગંજ પહોંચ્યા હતા. ત્યાંથી અમેઠી થઈને રાયબરેલી આવ્યા. રાયબરેલીમાં કેન્દ્રીય કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા અર્પણ કર્યા બાદ રાહુલની નામાંકન યાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અગાઉ રાહુલ ગાંધીએ આ પૂજામાં હાજરી આપીને રથ જેવી ખુલ્લી ટ્રકમાં ઉમેદવારી નોંધાવવા જવાનું હતું, પરંતુ ઉમેદવારી નોંધાવવામાં વિલંબ જાઈને તેઓ સીધા જ તેમના બંધ વાહનમાં રવાના થઈ ગયા હતા.
રાહુલ ગાંધીની નામાંકન યાત્રા હાથી પાર્ક સ્થિત કોંગ્રેસ કેન્દ્રીય કાર્યાલયથી શરૂ થઈ હતી. આ શોભાયાત્રા ફિરોઝ ગાંધી ચોક થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી. કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. કોંગ્રેસીઓ વિક્રમી મતોથી રાહુલને વિજયી બનાવવાની વાતો કરતા રહ્યા. આ શોભાયાત્રામાં કોંગ્રેસની સાથે સપાના કાર્યકરો પણ જોવા મળ્યા હતા.આ દરમિયાન પાર્ટી ઓફિસ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. રાહુલને ઓફિસથી પોતાની કાર સુધી પહોંચવામાં પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. કાર્યકરોએ જોશભેર સૂત્રોચ્ચાર કર્યા હતા.ઉત્સાહમાં કાર્યકરો રાહુલ ગાંધી ઝિંદાબાદ અને કોંગ્રેસ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતાં આ બેઠક પરથી કોંગ્રેસના મહામંત્રી અને સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી ચુંટણી લડશે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ છેવટે આજે સવારે જ આ બેઠકના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કહેવાય છે કે જો પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચુંટણી લડયાં હોત તો વિરોધ પક્ષને પરિવાર અને ભત્રીજાવાદનો મુદ્દો મળી જાય આથી જ પ્રિયંકા ગાંધીએ આ બેઠક પરથી ચુંટણી લડવાનો ઇન્કાર કર્યાે હતો અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કિશોરી લાલ જી અમેઠીના દરેક ગામને જાણે છે. બધાને ઓળખે છે અને ઘણા સમયથી અહીં કામ જોઈ રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા તેમને જીતાડશો.
હાઈપ્રોફાઈલ રાયબરેલી સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવારનો સામનો કરશે. દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના નામાંકનના થોડા સમય પહેલા જ ઉમેદવારી નોંધાવી હતી. ૨૦૧૯માં દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી. તેમણે એક વખત કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ૨૦૧૮માં દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયા હતા. સોનિયા ગાંધીને ૫,૩૧,૯૧૮ વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને ૩,૬૭,૭૪૦ મત મળ્યા હતા. દિનેશ પ્રતાપ ૧,૬૪,૧૭૮ મતોથી હારી ગયા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની જીતનું માર્જિન ઘટાડ્યું. રાજ્યસભામાં જતા પહેલા સાંસદ સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે ગાંધી પરિવારમાંથી કોઈ ચોક્કસ રાયબરેલીથી ચૂંટણી લડશે. અહીંથી પ્રિયંકા ગાંધીનું નામ ચર્ચામાં હતું, પરંતુ આ પ્રસંગે તેમના ભાઈ રાહુલ ગાંધી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
અત્યાર સુધી રાયબરેલીના સાંસદો જોઇએ તો સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી સાંસદ રહ્યા છે.જયારે ૧૯૫૨- ફિરોઝ ગાંધી (કોંગ્રેસ),૧૯૫૮- ફિરોઝ ગાંધી (કોંગ્રેસ).૧૯૬૨- બ્રજલાલ (કોંગ્રેસ),૧૯૬૭- ઇન્દીરા ગાંધી (કોંગ્રેસ),૧૯૭૧- ઇન્દીરા ગાંધી (કોંગ્રેસ),૧૯૭૭- રાજનારાયણ (બીકેડી),૧૯૮૦- ઈન્દીરા ગાંધી (કોંગ્રેસ),૧૯૮૧-અરુણ નેહરુ (કોંગ્રેસ) પેટાચૂંટણી,૧૯૮૪- અરુણ નેહરુ (કોંગ્રેસ),૧૯૮૯- શીલા કૌલ (કોંગ્રેસ),૧૯૯૧- શીલા કૌલ (કોંગ્રેસ),૧૯૯૬- અશોક સિંહ (ભાજપ),૧૯૯૮- અશોક સિંહ (ભાજપ),૧૯૯૯- કેપ્ટન સતીશ શર્મા (કોંગ્રેસ),૨૦૦૪- સોનિયા ગાંધી (કોંગ્રેસ),૨૦૦૬-સોનિયા ગાંધી (કોંગ્રેસ) પેટાચૂંટણી,૨૦૦૯- સોનિયા ગાંધી (કોંગ્રેસ),૨૦૧૪-સોનિયા ગાંધી (કોંગ્રેસ),૨૦૧૯-સોનિયા ગાંધી (કોંગ્રેસ) છે રાહુલ ગાંધી જ્યારે ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી જઈ રહ્યા હતા ત્યારે ડિગ્રી કોલેજ ચારરસ્તા પાસે પણ તેમનો વિરોધ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ કથિત રીતે રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.