લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામ માટે ભારત રત્નની માંગણી કરી છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને પોતાની માંગણી રજૂ કરી છે. રાહુલ ગાંધી ઘણા દિવસોથી કાંશીરામના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે જો નેહરુ જીવતા હોત, તો કોંગ્રેસ વતી કાંશીરામ મુખ્યમંત્રી હોત. જોકે, યુપી સરકારના એક મંત્રીએ કહ્યું કે કાંશીરામએ કોંગ્રેસના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીની રચના કરી હતી.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જઓ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ જીવતા હોત, તો કાંશીરામ કોંગ્રેસ વતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોત. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત, તો કાંશીરામ ક્યારેય સફળ ન થાત. નેહરુનું ૧૯૬૪ માં અવસાન થયું. ૧૯૭૮ માં પછાત વર્ગોના હિતોની હિમાયત કરતી સંસ્થા, સ્થાપના સાથે કાંશીરામ રાજકીય દ્રશ્ય પર ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તેમણે ૧૯૮૪ માં બહુજન સમાજ પાર્ટીની રચના કરી.
રાહુલ ગાંધીએ કાંશીરામની જન્મજયંતિ (૧૫ માર્ચ) ના બે દિવસ પહેલા ઇન્દીરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આયોજિત બંધારણ પરિષદમાં ડા. ભીમરાવ આંબેડકર અને બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામની પ્રશંસા કરી હતી. રાહુલે કહ્યું, “કાંશીરામજીએ સમાજમાં સમાનતાની વાત કરી. કોંગ્રેસ પોતાનું કામ સંપૂર્ણ રીતે કરવામાં નિષ્ફળ ગઈ. તેથી જ કાંશીરામજી સફળ થયા. જો કોંગ્રેસ યોગ્ય રીતે કામ કર્યું હોત, તો કાંશીરામજી ક્યારેય સફળ ન થયા હોત.” તેમણે કહ્યું, “જો જવાહરલાલ નેહરુજી જીવતા હોત, તો કાંશીરામજી કોંગ્રેસના મુખ્યમંત્રી હોત.”
રાહુલે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ૮૫ ટકા વસ્તીને અવગણી છે. રાહુલે કહ્યું, “બંધારણ કહે છે કે આ દેશ દરેકનો છે અને બધા લોકો સમાન છે, પરંતુ આજે સમાજ ૧૫ અને ૮૫ ટકામાં વહેંચાયેલો છે, અને ફક્ત ૧૫ ટકા લોકોને જ લાભ મળી રહ્યો છે.” તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી, ભીમરાવ આંબેડકર, કાંશીરામ અને સાવરકર વચ્ચે મોટો તફાવત છે. આ વાત સમજાવતા તેમણે કહ્યું, “ગાંધી (મહાત્મા ગાંધી) એ ૧૦-૧૫ વર્ષ જેલમાં વિતાવ્યા, પણ તેમણે સમાધાન કર્યું નહીં. બાબાસાહેબ આંબેડકરે પોતાનું જીવન સમર્પિત કર્યું, પણ સમાધાન કર્યું નહીં. કાંશીરામે પોતાના જીવનમાં ક્યારેય સમાધાન કર્યું નહીં કારણ કે તેઓ આવું કરી શક્્યા નહીં.” આ કાર્યક્રમનું આયોજન ઇન્દીરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે કોંગ્રેસના પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ વિભાગો અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું. પાર્ટીએ મંચ પરથી કાંશીરામને મરણોત્તર ભારત રત્નની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો. કોંગ્રેસનું આ પગલું ૨૦૨૭ની ચૂંટણીમાં દલિતોને આકર્ષવાની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યું છે.









































