ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ દેશની અસ્મિતા સાચવવાની પ્રત્યેક ભારતીયની ફરજ છે. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન શાળાઓમાં રોજ પ્રતિજ્ઞા પત્ર બોલાવવામાં આવે છે. ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું… આ બે જ લીટીમાં સમગ્ર દેશ પરત્વે રાષ્ટ્રવાદની ભાવના જાજરમાન જોવા મળે છે.
વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અનેક જાતિઓ, ધાર્મિકતા, પ્રાદેશિકતા, બોલીઓ, ભાષા, સાંપ્રદાયિકતા, ખોરાક, પોશાક અને તહેવાર આ બધું નોખું હોવા છતાં અનેકતામાં એકતા એ આ દેશની ઓળખ છે. ભારતની આ ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિને સિંચન કરવાનું કાર્ય દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે.
પોતાના ભાગે આવેલું કામ સમયસર અને પ્રામાણિકતાથી કરવું એ જ મોટો ધર્મ છે. ફરજનું અચૂક ભાન રાખવું તે આપણી નૈતિકતા છે. હું શિક્ષક છું તો મારી ફરજ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવું, આચરણ દ્વારા અનુસરણ થાય તેવા પ્રયાસ કરવા, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભક્તિ, આધ્યાત્મિકતા અને એકતા કેળવાય તેવા ગુણોનું સિંચન કરવું અને સાથે આદર્શ નાગરિક નિર્માણ કરવો એ કર્તવ્ય છે.
લોકશાહી વ્યવસ્થામાં વહીવટી વ્યવસ્થા માટે કર્મચારી વર્ગ સરકાર પાસેથી પગાર લઈને કાર્ય કરે છે. તે કાર્ય શ્રેષ્ઠ થાય તે અનિવાર્ય છે. રાજનેતાઓ લોકોના વોટથી રાજસત્તા ઉપર આરૂઢ થયા છે ત્યારે એમણે તેમનું કર્તવ્ય બજાવવું જોઈએ. પ્રજાના પાઈ પાઈનો હિસાબ રાખવાનો અને તે પ્રમાણે અનુસરવાનો સંવિધાનિક અધિકાર મળ્યો છે ત્યારે નિષ્ઠાથી ફરજ બજાવીએ તે મોટો ધર્મ છે. આજે વધુ ભણેલા વધુ ભ્રષ્ટાચાર કરે છે. ચાર ચોપડી ભણેલા નેતાઓ આઈએએસ કે સનદી અધિકારીને ખોટું કરવા માટે મજબૂર કરે છે.
જાપાન વિકસિત દેશ છે. એક સમયે જાપાનની પરિસ્થિતિ અને વાહન વ્યવહારની ગતિવિધિ સારી ન હતી એટલે જાપાનના લોકોએ અને સરકારે નક્કી કર્યું કે આપણા દેશની પ્રતિષ્ઠા સૌએ ભેગા મળીને જાળવવાની છે. તેના માટે અસરકારક આયોજન અને અમલીકરણ નિર્માણ કર્યું. દરેકની જવાબદારી ફિક્સ કરી દેવામાં આવી છે. આજે જાપાન બુલેટ ટ્રેન માટે જાણીતું છે. ભારતે જાપાન પાસેથી બુલેટ ટ્રેનનો વિચાર લેવો પડે અને એપ્લાય પણ કરવો પડયો.
એક સમયે જાપાનમાં એક ભારતીય ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે ટ્રેનની સીટ ફાટેલી હતી અને એ સમયે જાપાનના એક શિક્ષક સોય અને દોરાથી સીટનું કવર સાંધતા હતા એટલે પેલા ભારતીયને પ્રારંભિક અવસ્થામાં એવું લાગે કે ટ્રેનનો કોઈ કર્મચારી હશે. વાતચીતનો દોર શરૂ થયો એટલે પૂછ્યું કે આપ ટ્રેનમાં નોકરી કરો છો ત્યારે તે શિક્ષકે જણાવ્યું કે હું જાપાનનો શિક્ષક છું. મારા દેશની ટ્રેનમાં દેશ અને દુનિયાના લોકો મુસાફરી કરે છે. મારા દેશની છાપ વિદેશના લોકોમાં ખરાબ ઉભી ના થાય એટલે હું મારા દેશની બુલેટ ટ્રેનમાં સીટનું કવર રીપેર કરી રહ્યો છું. આ વાત સાંભળ્યા પછી પેલા ભારતીયને જાપાનના શિક્ષકને સલામ કરવાનું મન થયું. કેવા નાગરિકો નિર્માણ કર્યા છે. પ્રસંગ નાનો છે પરંતુ ખૂબ સારો મેસેજ આપી જાય છે. આટલા મોટા વિશાળ લોકશાહી દેશમાં બધું જ કાર્ય સરકાર ન કરી શકે. પરંતુ દરેક નાગરિક પોતાની ફરજ સમજી થાય એટલું શ્રેષ્ઠ કાર્ય કરે તો દેશ પ્રગતિના પંથે જઈ શકે તેમ છે. અને તેના માટે હૃદયમાં નિષ્ઠા અને કર્તવ્ય પરણાયતા હોવી અનિવાર્ય છે.
આજે પ્રપંચ, કાવાદાવા, ભ્રષ્ટાચાર, વ્હાઈટ ક્રાઈમ, ભૌતિક વિલાસ માટે ગમે તેવું ખોટું કામ કરી નાખવું જેવા અમાનવીય કૃત્યો કરી એક દિવસ તો ઉપર જ જવાનું છે. તો શા માટે રાષ્ટ્રના કલ્યાણ માટે જે પણ કરીએ તે સારું કરીએ તેવી ભાવના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં નિર્માણ કરીએ એ જ મોટી કેળવણી છે.
આજે કર્તવ્ય શબ્દ થોથાઓમાં સારો લાગે છે. બરાડા પાડી અને કહીએ “હું મારા દેશને ઝુકવા નહીં દઉં”, તેનો કોઈ અર્થ ખરો? આચરણ સિવાય બધું જ નિરર્થક છે. આચરણથી આચમન સુધી ભાવના કેળવી પડશે. ભગતસિંહના શબ્દોમાં કહીએ તો સૌથી મોટામાં મોટો ધર્મરાષ્ટ્ર ધર્મ છે. ડાહી સાસરે ના જાય અને ગાંડીને સલાહ આપે તેવી સ્થિતિ છે. પ્રમાણિકતા જોવી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રીના અતિતમાં દર્શન કરવાથી જોવા જરૂર મળશે.
ચોમાસા દરમિયાન રોડ, રસ્તા, બ્રિજ કેમ તૂટી ગયા તેનું મૂળ કારણ ભ્રષ્ટાચાર અને દેશપ્રેમની ઉણપ રહેલી છે. ભારત માતાની વાતો કરનારા ભારતની ભૂમિના ટુકડાને લક્ષ્મીથી વેચી રહ્યા છે તેવા રાક્ષસોને ભારતીય કહેવાય ? સિંગાપુરમાં એક વિદેશના નાગરિકને ટેક્સીમાં બેસાડીને ડ્રાઇવર ઉતારવા જાય છે. જે જગ્યાએથી જવાનું હોય છે ત્યાંથી જતો નથી એટલે કિલોમીટર વધારે થાય છે. ડ્રાઇવરની ભૂલના કારણે મીટર વધે છે એટલે મુસાફર મૂળ જગ્યાએ પહોંચ્યો ત્યારે મીટરમાં ૧૫ ડોલર બતાવે છે તે વખતે ડ્રાઇવર તેમની પાસે દશ ડોલર લે છે ત્યારે મુસાફરી કરનાર વ્યક્તિ પૂછે છે આ મીટરમાં તો ૧૫ ડોલર બતાવે છે, તો આપ શા માટે દસ ડોલર લો છો ત્યારે ડ્રાઇવર કહે છે કે મેં બેદરકારી દાખવી ન હોત અને જા હું સીધા રસ્તે લઈ ગયો હોત તો દસ જ ડોલર ભાડું થાય એટલે મારે તમારી પાસેથી દશ ડોલર ભાડું લેવાનું થાય છે. એક ડ્રાઇવરની પ્રામાણિકતા અને દેશ પ્રત્યેની નિષ્ઠા સિંગાપુરમાં જોવા મળે છે. જ્યારે આપણે ત્યાં કાલુપુરના રીક્ષા ચાલકો કોઈક નાગરિકને નવરંગપુરા જવાનું હોય તો જમાલપુર ફેરવીને આડા અવળા રસ્તાના આંટા મરાવી વધારે ભાડું લેવા માટે પેરવી કરે છે. આ લોકો દેશની પ્રતિષ્ઠા વધારે છે કે દેશને કલંકિત કરે છે? પાછા ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના દિવસે તિરંગો ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરે છે આવા નાગરિકોને કઈ ભાષામાં સમજાવવા ? પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિક નિયમન કરવાની જગ્યાએ કયા જિલ્લાની ગાડી અને કયા સ્ટેટની ગાડીનો નંબર જોઈએ તેને પકડવા માટે ઊભા રહેલા પોલીસવાળાઓ રોજબરોજ હાઇવે ઉપર જોવા મળે છે. આમાં રાજ્યની પ્રતિષ્ઠા ઓછી થાય કે વધે છે? ચેકિંગના નામે શું કરે છે આ બધું જનતા જાણે છે. આમાં રાષ્ટ્રનું શું ભલું થવાનું છે? ઇન્ડિયન પિક્ચર શું મેસેજ આપે છે તે દરેકે સમજવાની જરૂર છે. પોતાની નિષ્ઠા અને કર્તવ્ય હૃદયમાં સદાય માટે પ્રમાણિકતાથી ઝરણાની જેમ વહેતું હોવું જોઈએ તો જ દેશ પ્રગતિ કરી શકશે. કર્મચારીઓ પેન્શન માટે આંદોલનો કરે, સરકાર મિટિંગો કરે. આ બધું કર્યા વગર જે માંગ છે પૂરી કરી દો અને તેમની પાસે શ્રેષ્ઠ કામ માંગો, સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે આદેશ કરો આનાથી વિશેષ કયુ કર્તવ્ય હોઈ શકે. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં કર્તવ્યનિષ્ઠ બનીને સેવા કરવાનો અવસર મળ્યો છે. તેને સારી રીતે પાર પાડીએ. જય હો મારા દેશનો. વંદે માતરમ… ભારત માતા કી જય. Mo.૯૮૨૫૭૦૨૨૮૨