રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે ગીર સોમનાથનાં કોડીનારની રાજદીપ સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો. ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળાનાં સહભાગી બન્યા હતા. કોડીનાર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં પ્રાથમિકથી લઈ ધોરણ ૧૧ અને ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા કોડીનાર તાલુકાભરનાં વિદ્યાર્થીઓ અને સેંકડો શહેરીજનો પણ ઉમટી પડયા હતા. આ મેળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અવકાશી કચરો દૂર કરવા માટેની પદ્ધતિ, નકલી ખાદ્ય પદાર્થને પી.એચ.બેલેન્સ દ્વારા કેવી રીતે ઓળખવું, લાવારસને કારણે પ્રકૃતિનું અનબેલેન્સ, વાહન ચલાવતી વખતે ઝોકું આવે તો એલર્ટ અને ગ્લોબલ વોર્મિંગની અસરો વગેરે પ્રયોગોએ આકર્ષણ જગાવ્યું હતુંં. આ મેળામાં અનેકવિધ પ્રયોગોએ પણ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતુંં. ગણિતના સિદ્ધાંતોનું સરળીકરણ વગેરે સમજીને લોકો અચંબિત થયા હતા. આ મેળાનું આયોજન અને સંચાલન રાજદીપ સ્કૂલ પ્રિન્સિપાલ દેવયાનીબેન કર તેમજ કેમ્પસ ડાયરેક્ટર શાળા સંચાલક રાજદીપ સ્કૂલ મહાવીર સિંહ બારડ દ્વારા કરવામાં આવ્યું હતુંં.