એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન ભાજપના મોટાભાગના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
દ્રૌપદી મુર્મૂએ ૪ સેટમાં નામાંકન ભર્યું. જેમાં પહેલા સેટમાં પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક છે. આ સેટમાં ભાજપ સંસદીય બોર્ડના સભ્ય, કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી છે. આ સેટમાં અત્યાર સુધી ૬૦ પ્રસ્તાવકના નામ છે અને ૬૦ અનુમોદકના. એટલે કે આ જ રીતે દરેક સેટમાં ૧૨૦ નામ છે. બીજો સેટમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પ્રસ્તાવક છે. તેમાં પણ ૬૦ નામ પ્રસ્તાવક તરીકે અને ૬૦ અનુમોદક તરીકે છે. આ સેટમાં યોગી, હિમંતા ઉપરાંત ભાજપ શાસિત તમામ એનડીએની સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રી પ્રસ્તાવક છે. ત્રીજો સેટ હિમાચલ પ્રદેશ અને હરિયાણાના વિધાયકોનો છે. તેઓ જ પ્રસ્તાવક અને અનુમોદક છે. જ્યારે ચોથો સેટ ગુજરાતના વિધાયકોનો છે જેમાં તેઓ જ પ્રસ્તાવક અને તેઓ જ અનુમોદક છે.
આ અવસરે ભાજપના નેતૃત્વવાળા એનડીએના તમામ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા. સંસદ ભવનમાં નામાંકન દરમિયાન નિતિન ગડકરી, પ્રહલાદ જોશી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈ, અસમના
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી, અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત ઉપરાંત મોદી સરકારના અનેક મંત્રીઓ, સાંસદો અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
આ અવસરે જેડીયુ અને બીજેડી નેતાઓ પણ સામેલ થયા. અત્રે જણાવવાનું કે બીજેડી પ્રમુખ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જોહેરાત કરેલી છે. આવામાં જીતના આંકડાથી થોડેક જ દૂર ઊભેલી એનડીએ નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડીના સમર્થન બાદ બહુમતના આંકડાથી પણ ખુબ આગળ જોવા મળી રહ્યું છે.
૨૧ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હીમાં થયેલી ભાજપ સંસદીય દળની બેઠક બાદ દ્રૌપદી મુર્મૂના નામની જોહેરાત કરાઈ હતી. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકનની છેલ્લી તારીખ ૨૯ જૂન છે. દેશના નવા રાષ્ટ્રપતિ માટે ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજોવવાની છે. જ્યારે મતગણતરી ૨૧ જુલાઈએ થશે. વિપક્ષ તરફથી યશવંત સિંન્હા મેદાનમાં છે. દ્રૌપદી મુર્મૂ ગુરુવારે પોતાના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેમણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
દ્રૌપદી મુર્મૂનો જન્મ ઓડિશાના આદિવાસી જિલ્લા મયુરભંજના રાયરંગપુર ગામમાં થયો હતો. તેઓ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ ૧૮મી મે ૨૦૧૫થી ૧૨મી જુલાઈ ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ પદે કાર્યરત હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પહેલા મહિલા અને આદિવાસી નેતા છે જેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સમર્થન આપવાની જોહેરાત કરી છે. બીજી બાજુ એનડીએમાં ભાજપના સહયોગી નીતિશકુમારે પણ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે સમર્થન કર્યું છે.