અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કેનેડાની સરકાર હાઈ એલર્ટ પર છે. હકીકતમાં ટ્રમ્પની જીત બાદ કેનેડાને આશંકા છે કે મોટી સંખ્યામાં શરણાર્થીઓ અમેરિકા છોડીને કેનેડા આવી શકે છે. આ જ કારણ છે કે કેનેડા સરકારે તેની સરહદો પર દેખરેખ વધારી દીધી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્‌સનો મુદ્દો જારદાર રીતે ઉઠાવ્યો હતો અને તેમણે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સને દેશમાંથી હાંકી કાઢવાનું વચન પણ આપ્યું હતું.
હવે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા છે ત્યારે કેનેડાને ભય છે કે ટ્રમ્પના ડરથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ અમેરિકા છોડીને કેનેડા આવી શકે છે. કેનેડાની સરકારને ડર છે કે અમેરિકામાં ઈમિગ્રન્ટ વિરોધી વાતાવરણને કારણે તેમના દેશમાં આશ્રય મેળવનારા શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. કેનેડાના એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે હાઈ એલર્ટ પર છીએ. “શું થવાનું છે તે જાવા માટે આપણે બધાની નજર સરહદ પર છે… કારણ કે આપણે જાણીએ છીએ કે ઇમિગ્રેશન પર ટ્રમ્પના કડક વલણથી કેનેડામાં ગેરકાયદેસર અને અનિયમિત સ્થળાંતરમાં વધારો થઈ શકે છે.”
કેનેડા માટે સમસ્યા એ છે કે અમેરિકા અને કેનેડાની સરહદો ખૂબ મોટા વિસ્તારને આવરી લે છે. આવી સ્થિતિમાં, સમગ્ર સરહદ પર નજર રાખવી અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી રહેલા ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવી કેનેડા સરકાર માટે ખૂબ જ મુશ્કેલ કામ બની રહ્યું છે. કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પણ આ મુદ્દે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. મંત્રીઓના આ જૂથને અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે તાલમેલ સાધવાની અને બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સહમતિ સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરહદ પારથી વસાહતીઓના આગમન પર કેનેડાના નાયબ વડાપ્રધાને કહ્યું કે કેનેડા પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.