શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે એ અચાનક એક સપ્તાહ માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દીધી છે અને તેઓ સિંગાપુર માટે રવાના થઈ ગયા. તેમની આ મુસાફરી અગાઉથી નક્કી નહોતી અને તેના વિશે કોઈને જાણકારી પણ નહોતી. આ રીતે સંસદના સત્રને એક સપ્તાહ માટે સ્થગિત કરીને તેમનું આ રીતે સિંગાપુર ચાલ્યા જવું અનેક સવાલ ઊભા કરે છે. જાકે, શ્રીલંકાની સરકાર તરફથી આ મામલામાં હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર ૧૧ જાન્યુઆરીએ સંસદની કાર્યવાહી થઈ હતી. તેના પછી ૧૨ ડિસેમ્બરે કાર્યવાહી થવાની હતી, પરંતુ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદને સ્થગિત કરી દીધી. હવે ફરી સંસદની કાર્યવાહી ૧૮ ડિસેમ્બરે થશે.
સંસદના સત્રને સસ્પેન્ડ કરીને થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષે સિંગાપુર માટે રવાના થઈ ગયા. રાષ્ટ્રપતિના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ અંગત યાત્રા ઉપર ગયા છે, તો અમુકનું માનવું છે કે, રાજપક્ષે મેડિકલ કારણોસર સિંગાપુર ગયા છે.
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના નાના ભાઈ છે. રાજપક્ષેનો જન્મ ૨૦ જૂન, ૧૯૪૯ના રોજ શ્રીલંકાના એક પ્રતિષ્ઠિત રાજકીય કુટુંબમાં થયો હતો. તેઓ ૯ ભાઈ બહેનોમાં પાંચમાં સ્થાન ઉપર છે. તેમના પિતા ડીએ રાજપક્ષે ૧૯૬૦ના દાયકામાં વિજયાનંદ દહાનાયકની સરકારમાં મુખ્ય નેતા હતા અને શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા. રાજપક્ષેએ પોતાનો સ્કૂલનો અભ્યાસ કોલંબોમાં પૂરો કર્યો. તેઓ ૧૯૭૧માં શ્રીલંકાની સેનામાં અધિકારી કેડેટ તરીકે સામેલ થયા હતા.
૭૦ વર્ષીય નેતા ગોટબાયાએ ૧૯૮૩ની સાલમાં મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં ડિફેન્સ સ્ટડીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ૧૯૮૦ના દાયકામાં જ તેમણ ભારતના પૂર્વોત્તર સ્થિત કાઉન્ટર ઇન્સર્જસી એન્ડ જંગલ વારફેર સ્કૂલમાં તાલીમ મેળવી હતી ૧૯૯૧માં તેમની સર જાન કોટેલવાલા ડિફેન્સ એકેડમીમાં ઉપ કમાન્ડેટ તરીકે નિમણૂક થઈ હતી અને ૧૯૯૨માં સેના નિવૃત થયા બાદ આ પદ પર સ્થાન જમાવી રાખ્યું છે. તેઓ ૨૦૦૫માં પોતાના ભાઈ મહિંદા રાજપક્ષેના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં મદદ કરવા સ્વદેશ પાછા ફર્યા અને શ્રીલંકાની બેવડી નાગરિકતા લીધી.