સોમનાથમાં ગત તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના નાના વિદ્યાર્થીઓએ મંદિરના સભા મંડપના એક ખૂણે ઊભા રહીને મંગલમય મંત્રોચ્ચાર દ્વારા તેમને હૃદયપૂર્વક આવકાર્યા હતા. ત્યારે, ટ્રસ્ટે દુઃખ સાથે જણાવ્યું છે કે, પ્રભાસ પાટણમાં પોતાના અંગત સ્વાર્થ અને સંકુચિત માનસિકતાથી પ્રેરિત અમુક તત્વોએ નિર્દોષ બાળકો દ્વારા કરાતા આ શુદ્ધ મંત્રજાપનો અશોભનીય અને ગેરવ્યાજબી વિરોધ કર્યો છે.ગઈકાલે લગભગ ૧૦૦ જેટલા લોકોનું એક ટોળું, કોઈપણ પરવાનગી વગર, સ્વાર્થની ભાવનાથી પ્રેરાઈને, ટ્રસ્ટના જનરલ મેનેજરના કાર્યાલયમાં ધસી આવ્યું હતું અને નાના બાળકોના આ પવિત્ર મંત્રોચ્ચાર સામે વિરોધ કર્યો હતો. ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે તેમનું આકૃત્ય માત્ર બાળકોનો વિરોધ નથી, પરંતુસંસ્કૃત શિક્ષણના ભગીરથ કાર્ય માટે એક અપમાનજનક ઘટના છે. આ તત્વો પાઠશાળાના બાળકોને ફરી ક્યારેય મંદિર પરિસરમાં મંત્ર જાપ કરવા દેવામાં ન આવે તેવી અત્યંત ગેરવ્યાજબી માંગ કરી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના દરેક બાળકને સંસ્કૃત, પુરાણો, વેદ અને વેદાંગનું જ્ઞાન આપી રહ્યું છે, અને આવા સંકુચિત વિરોધ સામે ટ્રસ્ટ પોતાના બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય નહીં કરે. ટ્રસ્ટે આ બાબતનો સખત વિરોધ સહ રદિયો આપ્યો છે.







































