શહીદ સીડીએસ જનરલ વિપિન રાવત અને મધુલિકા રાવતની બંને પુત્રીઓ કૃતિકા અને તારિણી આજે હરિદ્વાર પહોંચી હતી. આ દરમિયાન તેમણે વીઆઇપી ઘાટ પર ભીની આંખો સાથે ગંગા નદીમાં તેમના માતાપિતાની અસ્થિનું વિસર્જન કર્યું હતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઘાટ પર પહોંચ્યા હતા. પરંતુ, તેઓને બહાર રોકી દેવામાં આવ્યા હતા.
૧૧ ડિસેમ્બરને શનિવારે સવારે છ વાગ્યે સેનાનું વિશેષ વિમાન સીડીએસ બિપિન રાવતની અસ્થિઓ લઈને જોલી ગ્રાન્ટ માટે રવાના થયું હતું. અસ્થીઓને જોલી ગ્રાન્ટ એરપોર્ટથી રોડ માર્ગે હરિદ્વાર લાવવામાં આવી હતી. હરિદ્વાર પહોંચતા પહેલા કૃતિકા અને તારિણીએ દિલ્હી છાવણીના બેરાર સ્ક્વેર સ્મશાન ગૃહમાંથી તેમના માતા-પિતાની અસ્થિઓ એકઠી કરી હતી.
અહીંના વીઆઈપી ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમની અસ્થિઓ ગંગામાં વિસર્જન કરવામાં આવી હતી. સેનાની ટુકડીઓ પણ સવારે જ ઘાટ પર પહોંચી ગઈ હતી. આ સાથે આર્મી બેન્ડ પણ આવી પહોંચ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક, કેબિનેટ મંત્રી સ્વામી યતિશ્વરાનંદ, હરિદ્વારના મેયર અનિતા શર્મા, ઋષિકેશના મેયર અનિતા મંગાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દેશના પ્રથમ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત શુક્રવારે, ૧૦ ડિસેમ્બરે પંચતત્વમાં વિલીન થઈ ગયા. બિપિન રાવતની બે દીકરીઓ કૃતિકા અને તારિણી રાવતે તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા.