ઉત્તર પ્રદેશમાં યોજોનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે રાજ્યના વિભિન્ન સ્થળોએ નીકળનારી જન વિશ્વાસ યાત્રાની શરૂઆતમાં આંબેડકર નગર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજકીય દળોના પરિવારવાદ પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટી પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, અખિલેશ યાદવના પિતાજીએ અયોધ્યામાં કારસેવકો પર ગોળીબાર કરાવ્યો હતો.
જેપી નડ્ડાએ કહ્યું કે, અમે ભાજપવાળાઓ સમર્પિત ભાવથી સૌની સેવા કરીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ જો શક્ય હોય તો તે ભાજપની સરકારમાં જ શક્ય છે. જમ્મુ કાશ્મીરથી જુઓ, દરેક જગ્યાએ પરિવારવાદ અને જોતિવાદ છે. કાશ્મીરમાં એનસીપી, હરિયાણામાં ઈનેલો અને યુપીમાં એસપી અને બીએસપી, આ તમામ રાજકીય દળોમાં પરિવારવાદ છે. બાકીની પાર્ટીઓ વોટબેન્કનું રાજકારણ કરે છે અને ભાજપ વિકાસનું રાજકારણ કરે છે.
જેપી નડ્ડાએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, અખિલેશ યાદવના પિતાજીએ અયોધ્યામાં ગોળીબાર કરાવ્યો પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવડાવી રહ્યા છે. હું અને તમે સૌ સદીઓથી ઈચ્છતા હતા કે ત્યાં રામ મંદિર બને. અન્ય દળોમાં વિકાસ સંભવ નથી કારણ કે, તેમની માનસિકતા પણ નથી અને વિચાર પણ નથી. હવે ચૂંટણીમાં સૌ કોઈ પોતપોતાની રીતે નારા બોલાવશે. પરંતુ જનતાએ તેમને તેમના ભૂતકાળના કાર્યો અંગે સવાલ કરવો જોઈએ. ભાજપે જે કહ્યું છે તે કરીને બતાવ્યું છે અને તે જ અમારા વિશ્વાસનો આધાર છે. સપા સરકારમાં માફિયાઓ હતા અને આજે યોગી સરકારે માફિયાઓને જેલભેગા કર્યા છે. યોગી સરકારના કારણે રાજ્યમાં સુશાસન આવ્યું છે.
આ તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મથુરા ખાતેથી જન વિશ્વાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા અને ફાંસીના માંચડે ચડનારા ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા.