રામ આયેંગે તો અંગના સજાયેંગે, દીપ જલાકે દિવાલી હમ મનાયેંગે, રામ આયેંગે આયેંગે રામ આયેંગે, મેરી જોપડી કે ભાગ્ય ખુલ જાયેંગે. રામ આયેંગે આયેંગે રામ આયેંગે…ગીત કરોડો લોકોની આસ્થાનું પ્રતીક બની ગયું છે. આમ તો લોકો ધર્મ માટે સમર્પિત હોય છે એમાંય સમગ્ર સનાતન સંપ્રદાયના ભગવાન એટલે રાજા દશરથ અને માતા કૌશલ્યાના જાયા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. ત્રેતાયુગમાં પ્રભુએ અવતાર લીધો હતો ત્યારથી પેઢી દર પેઢી લોકો ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા ભાવ ધરાવે છે. એટલે ભારત ભરમાં ગામે-ગામ રામજી મંદિર હોય છે. જ્યાં સવાર સાંજ રામ લલ્લાની આરતી થાય છે. સમગ્ર ભારત ભરમાં જ નહિ પરંતુ દુનિયાના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ભારતીય વસવાટ કરે છે ત્યાં બધે અતિશય આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. એક પ્રકારનો આટલો વિશાળ અને અતિ ભવ્ય સામૂહિક ઉત્સવ કદાચ પહેલીવાર ઉજવાઈ રહ્યો હોય એવું રામમય વાતાવરણ છે. નાના મોટા, અમીર ગરીબ, સ્ત્રી પુરુષ, અબાલ વૃદ્ધ સૌ કોઈ રામમય બની ગયા છે. આજનો દિવસ ભારતના ઇતિહાસમાં એક યાદગાર દિવસ તરીકે અંકાશે, કારણ કે ભગવાન રામનું મૂળ જન્મ સ્થળ અયોધ્યામાં જ્યાં હતું ત્યાં ઇ.સ.૧૫૨૮ માં મુઘલ સમ્રાટ બાબર દ્વારા વિવાદિત જગ્યા પર મસ્જિદ બનાવવામાં આવી. ત્યાર બાદ સવા ત્રણસો વર્ષ સુધી તો કશું થયું નહિ પરંતુ પછી ૧૮૫૩માં ત્યાં વિવાદિત જગ્યાને લઈને હિંસા ભડકી. ૧૮૫૮ માં આ વિવાદિત જગ્યા પર પૂજા કરવા માટે એફઆરઆઇ દાખલ થઈ. ત્યાર બાદ ૧૮૮૫ માં આ વિવાદિત મામલો પહેલીવાર કોર્ટમાં ગયો.ત્યારબાદ ૧૯૩૪ માં આ વિવાદિત બાંધકામનો કેટલોક હિસ્સો પાડી નાખવામાં આવ્યો. ફરી ૫૫ વર્ષ વિતી ગયા અને ૧૯૮૯ માં મંદિરનો શિલાન્યાસ થયો અને પહેલી ઈંટ મૂકવામાં આવી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ ના દિવસે સમગ્ર દેશમાંથી કાર સેવકોએ ઈંટો એકઠી કરીને વિવાદિત બાંધકામ તોડી પાડ્યું. ત્યારબાદ કોર્ટમાં આ મામલો ચાલુ રહ્યો અને ઘણી સુનાવણી બાદ અંતે ૯ નવેમ્બર ૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો. ત્યારબાદ ૫ ઓગસ્ટ ૨૦૨૦ માં રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ સંતો મહંતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો અને ત્રણ વર્ષના અંતે જેના પાયામાં ‘શ્રી રામ’ લખેલી દરેક ઈંટ એવી ૨ લાખ ઈંટો વપરાયેલી છે એવું ૧૬૧ ફૂટ ઊંચું અને વિશાળ જગ્યામાં પથરાયેલું ભગવાન શ્રી રામનું મંદિર પૂર્ણતાના આરે છે. અને એના ગર્ભ ગૃહમાં ભગવાન રામ લલ્લા બાળ સ્વરૂપે નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે. એ અનેક વર્ષોના ઈંતજારની ઘડી એટલે આજનો પવિત્ર અને ઐતિહાસિક દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪. ભારતના જુદા જુદા રાજ્યમાંથી જુદી જુદી સામગ્રી મંગાવીને સૌનું સમાવેશિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ અને સમગ્ર ભારતભરમાં આ દિવસે દરેક ગામડે અને શહેરોમાં મહોલ્લામાં ઠેર ઠેર રામ લલ્લાના વધામણા કરવા લોકો થનગની રહ્યા છે. કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં મંદિરોમાં ઠેર ઠેર સાફ સફાઈથી લઈને શણગાર તેમજ લાઈટિંગ અને સુશોભન કરવામાં આવ્યા છે. અયોધ્યા નગરીનો નઝારો તો કૈંક ઓર જ છે પણ ગામે ગામ અયોધ્યા નગરી આકાર લઈ રહી છે. આટલો મોટો સામૂહિક ઉત્સવ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે જય શ્રી રામના નાદ સાથે કરોડો લોકોની આસ્થાનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે તેવા નિજ મંદિરમાં બિરાજમાન થતાં શ્રી રામ લલ્લાના વધામણા કરીએ અને સાથે સાથે એમના જીવન ચરિત્રમાંથી સત્ય, પ્રેમ અને કરુણાના ગુણોને જીવનમાં ઉતારવા પ્રયાસ કરીએ.જેના નામે પથરા તરતા હોય એવા પતિત પાવન, ભક્તોના ઉધારકની એજ દિવ્ય શક્તિ અને આસ્થા ડૂબતાંને તારી શકે અને એટલે જ કહેવાય છે કે,’મારા રામના રખોપાં’, રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેને કોણ ચાખે. જેના નામનો એટલો મહિમા હોય એના ધામનો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય જ એ સ્વાભાવિક છે.