રામ જન્મભૂમિનો નિર્ણય સંભળાવીને લાઇમલાઇટમાં આવેલા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) અને હાલના સમયના રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈ ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. વારાણસીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિનો નિર્ણય તેમનો પોતાનો નથી પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય ધર્મના આધાર પર નહીં પરંતુ કાયદાકીય આધાર પર લેવામાં આવ્યો હતો. ભારતના પૂર્ણ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, વારાણસી કેદારઘાટ સ્થિત શ્રી કરપાત્રી ધામમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે એક ન્યાયાધીશનો કોઈ ધર્મ નથી હોતો. ન તો તેની કોઈ ભાષા હોય છે અને ન જાતિ. ન્યાયાધીશનો ધર્મ અને ભાષા સંવિધાન છે. રામ જન્મભૂમિનો નિર્ણય રંજન ગોગોઈનો નથી પરંતુ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો નિર્ણય હતો. ૫ જજાએ બેસીને ૩-૪ મહિના હિયરિંગ બાદ ૯૦૦ પાનાંનો જજમેન્ટ લખ્યો હતો. આ જજમેન્ટ એક ઓપિનિયન છે. તે ધર્મના આધાર પર નહીં કાયદા અને સંવિધાનના આધાર પર લખવામાં આવ્યો.
તેમણે કહ્યું કે ન્યાયાધીશ કે જજ હજારો કેસ ડિસાઇડ કરે છે. તેનું પરિણામ એક પાર્ટીના પક્ષમાં તો બીજી પાર્ટીના વિપક્ષમાં જાય છે. તેનાથી જજનું કોઈ લેવું-દેવું નથી હોતું. જજ એવું કંઈ પણ મનમાં રાખીને પોતાનું કામ કરતા નથી. ન્યાયાધીશ કાયદા કાનૂનોને ધ્યાનમાં રાખીને નિર્ણય સંભળાવે છે. સંવાદમાં સ્વામી અભિષેક બ્રહ્મચારીએ કહ્યું હતું કે યુવાઓના બળ પર આ ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. તેમણે કહ્યું કે ભારત વર્ષ અને સનાતન ધર્મ હંમેશાં જસ્ટિસ રંજન ગોગોઈનો ઋણી રહેશે.
યુવા ચેતનાના રાષ્ટ્રીય સંયોજક રોહિત કુમાર સિંહે ૫૧ કિલોની માળાથી પૂર્વ મુખ્ય ન્યાયાધીશનું અભિનંદન કર્યું હતું. તેમણે કહ્યું કે રાવણ સંહાર માટે પ્રભુ રામનો અવતાર, કંસના અત્યાચારને ખતમ કરવા માટે પ્રભુ કૃષ્ણનો અવતાર અને ભગવાન રામના મંદિરના નિર્માણ માટે જસ્ટિસ રંજન ગોગોઈનો અવતાર થયો. યુગ યુગાંતર સુધી આપણે બધા લોકો જસ્ટિસ રંજન ગોગોઈના ઋણી રહીશું. રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટની ૫ જજાની બેન્ચે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ રામ મંદિરના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. હિન્દુ પક્ષના જણાવ્યા મુજબ સન ૧૫૨૮મા મુઘલ બાદશાહ બાબરના સિપહસાલાર મીર બાકીએ મંદિરને તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું.