સાઉથ સુપર સ્ટાર રામ ચરણના પહેલાથી જ લાખો ચાહકો હતા અને ફિલ્મ ઇઇઇ બાદ તેમા ઉમેરો થયો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ફેન્સ મોટી સંખ્યામાં ઉમટતાં જોયા છે. એક્ટર બુધવારે તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યો હતો. જ્યાં તેનું ફેન્સ દ્વારા ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર ઉમટ્યા હતા. તેઓ હાથમાં રામ ચરણના પોસ્ટર લઈને આવ્યા હતા અને ફૂલની પાંખડીઓનો વરસાદ પણ કર્યો હતો. ફેન્સે એક્ટરના નામની બૂમો પણ પાડી હતી. આ સિવાય ઢોલ-નગારાના તાલ પર તેઓ નાચ્યા પણ હતા, જ્યારે રામ ચરણ એરપોર્ટ બહાર નીકળી રહ્યો હતો ત્યારે ફેન્સે તેને ઘેરી લીધો હતો. સ્થિતિ એવી થઈ હતી કે, તેમને કંટ્રોલ કરવા માટે પોલીસે પણ દોડી આવવું પડ્યું હતું. રામ ચરણનું એરપોર્ટ પર ફેન્સ દ્વારા સ્વાગત કરાયું તે સિવાય અન્ય એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં એક્ટર જે હોટેલમાં રોકાયો છે, ત્યાં પણ કેટલાક ફેન્સ પહોંચી ગયા હતા. તેની ઝલક મેળવવા માટે કેટલાક ફેન્સ હોટેલની દિવાલ પર તો કેટલાક ગેટ પર ચઢી ગયા હતા. અહીંયા પણ ઢોલ-નગારા લઈને તેઓ આવ્યા હતા. તેમને ત્યાંથી હટાવવા માટે ફેન્સને ઘણી કડાકૂટ કરવી પડી હતી. રામ ચરણ પહેલીવાર શંકર સાથે કામ કરી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ટીમે અમૃતસરમાં શૂટિંગ શિડ્યૂલ પતાવ્યું હતું, જ્યાં એક્ટરને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને મળવાની તક મળી હતી. તેણે અને પત્ની ઉપાસનાએ ગોલ્ડન
ટેમ્પલમાં લંગરનું પણ આયોજન કર્યું હતું. રામ ચરણની ફિલ્મ ‘આચાર્ય’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ છે, જેમાં તેણે પહેલીવાર પિતા ચિરંજીવી સાથે કામ કર્યું છે. બાપ-દીકરાની જોડીની હાજરી છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ફિલ્મે માત્ર ૭૪ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. રામ ચરણ અગાઉ એસએસ રાજોમૌલીની ફિલ્મ ઇઇઇમાં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે જુનિયર એનટીઆર પણ લીડ રોલમાં હતો. જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગણ નાના પરંતુ મહત્વના રોલમાં હતા.