રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર વેઈટરના ભગવા પોશાકને વાંધાજનક દર્શાવતા મધ્ય પ્રદેશના ઉજ્જૈનના સાધુ સંતો દ્વારા ટ્રેનને ૧૨ ડિસેમ્બરે દિલ્હીમાં રોકવાની ધમકી આપ્યા બાદ થોડી કલાકોમાં જ સોમવારે રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન લિમિટેડે ટિવટર પર જોહેરાત કરી હતી કે, ટ્રેનમાં વેઈટરનો પોશાક હવે ભગવો રાખવામાં આવશે નહીં, તેના બદલે હવે વેઈટરોનો પોશાક પરંપરાગત કરી દેવામાં આવ્યો છે.
રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં વેઈટરોનો પોશાક ભગવો રખાતા ભારે વિવાદ થયો હતો. ઉજ્જૈનના સાધુ સંતો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપવામાં આવી હતી કે, આ હિન્દુ ધર્મનું અપમાન છે, જો ડ્રેસ બદલાવામાં નહીં આવે તો, ૧૨ ડિસેમ્બરે દિલ્હીમાં આ ટ્રેનને રોકવામાં આવશે.
ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશપુરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમે બે દિવસ પહેલા કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખીને રામાયણ એક્સપ્રેસમાં ટ્રેનમાં વેઈટર દ્વારા ભગવા ડ્રેસમાં ભોજન પિરસવા પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાધુ-સંતો જેવા ભગવા કપડાં પહેરી, રૂદ્રાક્ષ માળા પહેરી આ ટ્રેનમાં વેઈટર દ્વારા મુસાફરોને ભોજન પિરસવામાં આવે તો, સાધુ સંતો અને હિન્દુ ધર્મનું અપમાન છે. જો , ડ્રેસ બદલવામાં નહીં આવે તો, દિલ્હીના સફદરગંજ રેલ્વે સ્ટેશન પર સાધુ સંતો આ ટ્રેનને ૧૨ ડિસેમ્બરે રોકશે. અમે રેલ્વેના પાટા પર બેસી જઈશું. હિન્દુ ધર્મની રક્ષા માટે આ જરૂરી છે. અમે ઉજ્જૈનમાંથી તેના માટે આકરૂ સ્વરૂપ ધારણ કર્યુ છે.