રામ શ્રવણ પ્રિય વ્યક્તિ છે. આ જગતને એમણે કંઇ કહેવાનું નથી. જેમને પિતાના વચનોમાં શ્રદ્ધા હોય તેમને જ કોઈની વાત સાંભળવાનો વિવેક ઉગે. જે પિતાના વચનની ઉત્થાપના કરે એના ચિત્તમાં દુનિયાના અન્ય મહાપુરુષોના વચનોની સ્થાપના થવી મુશ્કેલ છે. હયાતી વેળાએ પિતામાં શ્રદ્ધા હોય ને તેઓ દિવંગત થયા પછી શ્રાદ્ધ હોય. શ્રદ્ધા ન હોય તો પછી શ્રાદ્ધની જરૂર નહિ. રામનો તો સ્વભાવ જ એવો છે કે પિતાની કોઈ પણ વાતમાં તેમણે પોતાના તરફથી કંઈ ઉમેરવાનું રહેતું જ નથી. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જે કોઈને સાંભળીએ છીએ ત્યાં જ આપણે એમાં ઘણું બધું ઉમેરવાનું થાય છે. ક્યારેક તો સામેના ઉચ્ચારકનું વિધાન પૂરું પણ થવા દેતા નથી. સાંભળવા માટે મન શાંત રહે તો જ કાન કંઈક કામ કરે. અશાંત મન ધરાવનારાઓના કાન કાચા હોય છે. કોઈની વાતને આપણા કાનમાં આપણે ઠરીને ઠામ થવા દેતા જ નથી ને તરત જ આપણું ટકટક ચાલુ થઈ જાય છે. રામ પાસે શાંતચિત્તે કોઈને પણ સાંભળવાની વિદ્યા છે અને એટલે રામાવતારમાં પરમતત્વ આ જગતને જાણે કે કોઈ બોધ આપવાની ઈચ્છા રાખતા નથી. રામે પોતાના કંઠમાં ન તો નીતિશાસ્ત્ર ધારણ કર્યું છે કે ન તો ધર્મશાસ્ત્ર ધારણ થવા દીધું છે. એમનો હેતુ પોતાને સર્વશ્રેષ્ઠ પુરવાર કરવાનો પણ નથી. જિંદગીમાં સંયોગોવશાત્ આત્મજ્ઞાનપૂર્વક પોતાની જે જવાબદારી છે અને તત્ સંબંધિત જે ફરજ છે તે અને માત્ર તે જ અદા કરવામાં રામને રસ છે. રામ પોતાના સ્વભાવથી સામાન્યતાના ઉપાસક છે. તેમની વ્યક્તિગત જિંદગીમાં એવી ઘટનાઓ બની કે જેને કારણે તેમણે પોતાની પ્રતિભામાં છુપાયેલા અસામાન્ય ગુણસંપુટને પ્રગટ કરવાના અવસરો આવ્યા. રામ જિંદગીના ઉપાસક છે. નગરજીવન અને વન્યજીવનનો સંયુકત અનુભવ એ રામનો મુખ્ય જીવન ક્રમ બની ગયો છે. લગભગ સદાય વિપરીત પરિસ્થિતિમાંથી રામ પસાર થતાં રહ્યા છે. તેઓ કદી પણ વિચલિત થયા નથી. તુલસીદાસે કિષ્કિન્ધા કાણ્ડમાં રામને એક વ્યાકુળ વિયોગી ગૃહસ્થ તરીકે આલેખ્યા છે. વિયોગમાં પણ તેમનું જ્ઞાન જળવાયેલું છે. વરસતા વરસાદમાં લક્ષ્મણ અને રામનો સંવાદ રામની પ્રગલ્ભ ચેતનાનો પરિચય આપે છે. ઘન ઘમંડ નભ ગરજત ઘોરા…. કહીને તુલસી રામની મુગ્ધતા વ્યક્ત કરી દે છે. પરંતુ લક્ષ્મણે પૂછેલા કૌતુકમય પ્રશ્નોના જવાબોમાં રામનું નિશ્ચલ આત્મતેજ ઝબક ઝબક થતું રહે છે. જીવનની આંટીઘૂંટીઓ રામના પગમાં વીંટળાયેલી છે. વિષાદથી રામ કદી વિમુખ થયા નથી. ગળાડૂબ વિષાદ એમને વારંવાર ઘેરી વળેલો છે. રામનો આ વિષાદ કોઈએ પણ ઓછો કરી આપ્યો નથી. વનમાં જવું એક ઉપાધિ છે. પિતાની આજ્ઞાથી જવું એટલે એ તપ છે. આજ્ઞાપાલનનો પોતાને આનંદ છે એટલે વળી એ તપમાં આરંભથી જ તેજ ભળે છે. પરંતુ લક્ષ્મણ વનમાં સાથે આવવાની જિદ કરે છે. સીતાનો પણ હઠાગ્રહ છે. રામનો વનવાસ એ બેયના વેનથી વધુ ગંભીર અને સાહસિક બની જાય છે. વિષાદ વહેંચાઈને ઓછો થતો નથી, અધિક થતો જાય છે. સીતાએ અને લક્ષ્મણે વનમાં જવાની જરૂર ન હતી. પરંતુ તેઓ તો રામના પડછાયા છે. આકૃતિથી પડછાયા કોણ જુદા કરી શકે ? છેવટે અયોધ્યાના રાજઘરાનાની આ ત્રિમૂર્તિની સફર શરૂ થાય છે. સહુએ રામના વિષાદને અભિવૃદ્ધ કરી આપ્યો છે. સુવર્ણ
મૃગની ઈચ્છાને કારણે રામને મનમાં તો થયું જ હોય કે આવી જ મનોકામનાઓ હોય તો સીતાએ અયોધ્યાના રાજમહેલની બહાર આવવાની જરૂર ન હતી. પરંતુ તેઓ સીતાને એક જ વાક્ય કહે છે કે હે પ્રિયે, શું તને ખબર નથી કે સુવર્ણ મૃગ માત્ર કલ્પનાનો વિષય છે, એ પૃથ્વી પર હોતું જ નથી. આ એક વાક્યથી અધિક તર્ક રામ કરતા નથી. પત્નીની ઈચ્છાને અનુસરી એ ઈચ્છાની પરિપૂર્તિ કાજે તેઓ
મૃગવિચરણની દિશામાં દોટ મૂકે છે.અહીં સીતા, રામના વિષાદને સમૃદ્ધ કરવામાં સક્રિય થાય છે. પત્નીની ઈચ્છાઓ જો અવાસ્તવિક હોય તો પતિ પર આપત્તિનો પહાડ આવી પડે છે તેનો સંકેત પંચવટી છે. લક્ષ્મણ રામની સાથે સહાયકની ભૂમિકામાં છે પરંતુ એય એક રેખા આલેખીને પંચવટી છોડે છે. એથી લક્ષ્મણ વનમાં આવ્યા કે ન આવ્યા બેય સમાન થઈ જાય છે. લક્ષ્મણના હોવાનો અર્થ રહેતો નથી ને પછીથી પંચવટીમાં રાવણ આવવાથી અનર્થ સર્જાય છે. રામના સમગ્ર જીવનમાં જેઓ એમને ચાહે છે એમણે જ એમને માટે આપત્તિનું અણજાણ્યે નિર્માણ કરેલું છે. છતાં દરેક સ્થિતિને શાન્તચિત્તે રામે સ્વીકારી છે. રામની જિંદગીમાં બાહરી ઘોંઘાટ બહુ છે પરંતુ તેમાં રામે પોતે એક પણ સ્વર ઉમેર્યો નથી એટલે એ પાર ઉતરી શક્યા છે. રામ જિંદગીના દરેક નવા પ્રભાતનાં સ્વાગતકાર છે. તેમના તરફ પરિવારના અને બહારના પાત્રોએ કરેલા વર્તન સામે તેમની કોઈ ફરિયાદ નથી એટલે તેઓ પરમ પદ સુધી પહોંચ્યા છે. સીતાનું સુવર્ણ મૃગ અને લક્ષ્મણનો પંચવટી ત્યાગ બન્ને એવડી મોટી ભૂલો છે કે કદી માફ ન થઈ શકે. પરંતુ રામ એના પ્રત્યાઘાત આપ્યા વિના આગળ વધતા રહ્યા છે. રામની પાસે ડગલે ને પગલે જેની જરૂર પડે તે જીવન વિદ્યા છે. કૃષ્ણ પાસે એક અજાયબ જીવનકલા છે. કૃષ્ણ જીવનકલાનો અપ્રતિમ કલાકાર છે. પરંતુ જિંદગીની પ્રત્યેક ક્ષણમાં આપણે જે જોઈએ તે વિદ્યા તો એક માત્ર રામ પાસે છે. રામ અને આતમરામની જુગલબંદી જામે તો ન્યાલ થઈ જવાય.