રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં ૬ લોકોનાં મોત થયાંનું સામે આવ્યું છે. મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા, જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, એ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેનને બોલાવવામાં આવી હતી
“આ અંગે મળતી માહિતી મુજબ, રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. રિક્ષામાં સવાર ૬ લોકોનાં મોત થયાં છે. તમામના મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા, જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી.એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો તેમજ મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં હતાં. રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો જાવા મળ્યાં હતાં. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતા
રાધનપુરના ડીવાયએસપી ડી ડી ચોધરીએ જણાવ્યું કે, પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ગંભીર અકસ્માત અંગેની ફરિયાદ નોંધવાની કામગીરી ચાલી રહી છે. રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા વાદી પરિવારના ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ મળી કુલ ૬ લોકોના મોત થયા છે. આ પરિવાર અમરગઢ રાધનપુરનો હતો. બસનો ડ્રાઈવર છે મલિક જબરખાન જે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.”
રિક્ષા અને બસના ગોઝારા અકસ્માતથી વાદી સમાજમાં શોક છવાયો છે, આ દુર્ઘટના ખૂબ જ દુઃખદાયક છે. એક જ કોમની છ વ્યક્તિનાં મોતથી સમગ્ર વાદી સમાજ શોકમય છે. મોતને ભેટેલા તમામના મૃતદેહોને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એને પગલે હોસ્પિટલમાં પ્રાંગણમાં વાદી સમાજના લોકોની ભીડ ઊમટી પડી છે. સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે, જેઓ દુઃખદ ઘટના માટે શોક વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના માત્ર પરિવારજનો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક મોટી ખોટ છે. લોકો એકબીજાને સહારો આપી રહ્યા છે અને આ દુઃખદ સમયમાં એકતા દર્શાવી રહ્યા છે.”
અકસ્માતમાં મોતને ભેટેલાં કમનસીબમાં ૧ . ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. ૭૦),૨ . ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. ૬૦),૩ . ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. ૭૫),૪ . ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. ૭૦),૫. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. ૩૫),૬ . ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. ૩૫)નો સમાવેશ થાય છે તમામનું રહેઠાણ- અમરગઢ, તાલુકો રાધનપુર.છે
રાધનપુર ડેપો મેનેજર વિશાલ ગોહિલે જણાવ્યું કે, રાધનપુર ડેપોની બસ હતી. જે રાધનપુરથી હિંમતનગર જઈ રહી હતી. જે બસનો એક રીક્ષા સાથે અકસ્માત થયો હતો. અમને જાણ થતાં જ અમે હારીજ ડેપોને જાણ કરી હતી. બસના મુસાફરો કે ડ્રાઈવરને કોઈપણ જાતનું નુકસાન પહોંચ્યું નથી. અકસ્માત કેવી રીતે થયો તે તો સ્થળ પર ગયેલા અધિકારી જ કહીં શકશે. અત્યારે પોલીસ કાર્યવાહી પ્રગતિમાં છે”
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે.મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતાં. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને ૪-૪ લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે એવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા. આ એક કરુણ ઘટના છે.” “રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી મૃતકોનાં પરિવારજનોને આર્થિક સહાય મદદ થાય એ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા માટે ભલામણ કરી છે.
એ યાદ રહે કે બુધવારે જ, ગુજરાતના રાજકોટ શહેરમાં, સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન માટે દોડતી ઇલેÂક્ટ્રક બસ ટ્રાફિક સિગ્નલ પરથી પસાર થતી વખતે અનેક વાહનોને ટક્કર મારી હતી, જેમાં ૪ લોકોના મોત થયા હતા અને ૪ અન્ય ઘાયલ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં જાવા મળ્યું હતું કે બસ સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહેરના ‘૧૫૦ ફૂટ રિંગ રોડ’ પર ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ પર ઉભી રહી ન હતી અને થોડા દૂર રોકાતા પહેલા ઓછામાં ઓછા બે ફોર વ્હીલર અને છ ટુ વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી, જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.










































