અમદાવાદમાં ૩૧ મેના રોજ મોડી રાત્રે રાણીપ બકરમંડીમાં વેગનઆર કાર ઝડપી ગતિએ ચલાવતા એક પોલીસ કોન્સ્ટેબલે બે ટુ-વ્હીલર અને એક લારીને ટક્કર મારી હતી અને રસ્તા પર ઉભેલી એક મહિલાને પણ ટક્કર મારી હતી. જેમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. રાણીપ પોલીસે આરોપી કોન્સ્ટેબલ યુવરાજ સિંહને સુરેન્દ્રનગરથી ઝડપી લીધો છે.

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં ૩૧ મેનાં રોજ કારચાલક પોલીસ કોન્સ્ટેબલે ૨ વાહન અને લારીને ટક્કર મારી હતી. સાથે રસ્તે ઊભેલી મહિલાને કારની ટક્કરથી ઈજાગ્રસ્ત થઈ હતી. અમદાવાદ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્વાહી શરૂ કરી છે. અકસ્માત  થતાં રસ્તા પર ટોળાએ કારચાલકને માર મારી પોલીસ હવાલે કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે બહાનું બતાવી ફરાર થઈ ગયો હતો. રાણીપ પોલીસે તેને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસથી બચવા મોટરસાયકલ પર ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વિરમગામ જેવા સ્થળોએ ફર્યો હતો. પોલીસથી બચવા લોકેશન બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરેન્દ્રનગર પોલીસે તેને ઝડપી પાડ્યો છે. માધુપુરા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ આરોપી યુવરાજ સિંહ વાઘેલાની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કારચાલક નશામાં ધૂત હતો, તેથી અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા માટે તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે.