દિવાળી બાદ અમરેલી જિલ્લાના રસ્તાઓ યમરાજાના વધેલા આંટા ફેરાથી રક્તરંજિત બન્યા છે. ખાંભા તાલુકાના રાણીંગપરાના પાટીયા પાસે મહાકાળી માતાના મંદિર નજીક બે બાઇક અથડાયા બાદ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. બનાવ અંગે પીપળવા ગામે રહેતા અરજણભાઈ મુળુભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ ભરતભાઈ ભાણાભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે અરજણભાઈ તેમના દિકરા-દીકરી તથા માસીના દિકરા અને તેની પત્ની સાથે રાજુલા ખરીદી કરવા માટે અલગ-અલગ બાઇક લઇને જતાં હતા. આ દરમિયાન રાણીંગપરા ગામના પાટીયા પાસે પહોંચતા ડેડાણ તરફથી આવેલા બાઇક સવારે તેમના માસીના દિકરાની બાઇક સાથે ભટકાવી હતી. ઉપરાંત તમના દિકરાની ગાડી પાછળ હોવાથી તેની સાથે પણ અથડાવી હતી. જેના કારણે આ તમામને નાની મોટી ઈજા થઈ હતી અને આરોપીને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું કરૂણ મોત થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર યશવંતસિંહ પી. ગોહિલ વધુ તપાસ ચલાવી
રહ્યા છે.