બેખબર અનિતા ઈન્દ્રજીતના ખભે હાથ મૂકીને એને જગાડતી હતી અને તેની ભીની ઝૂલ્ફોમાંથી ટપક…ટપક.. કરતા એક-બે જળબિંદુ કયારે ઈન્દ્રજીતના અધખુલ્લા બદન ઉપર ટપકી ગયા, એ તો અનિતાને ય ખબર ન રહી. પણ ભરઉંઘમાં ઘસઘસાટ સૂતેલા ઈન્દ્રજીતની ચામડીય એટલી બધી સંવેદનશીલ હતી કે, એ ભીનાશની અસર છેક એના મગજ સુધી ક્ષણના છઠ્ઠા ભાગમાં પહોંચી ગઈ. એક તરફ એને ભીનું ભીનું લાગ્યુ હતું અને એક તરફ અનિતાનો સ્પર્શ!
એની ભરઉંઘ તૂટી અને આંખો ખૂલી ગઈ. પણ આંખો ખૂલી ને સામે દેખાયું એક અનાઘ્રાત પુષ્પ જેવું નજાકત યૌવન અને મનને હરી લેનારી એ બે ભોળી મુગ્ધ આંખો! એક જ ક્ષણમાં નિંદરના પંખી સરર….સરર…..કરતા ઉઠી ગયા. ઉંઘ ભરેલી આંખો સામે જ, ભીની ઝૂલ્ફોએ સ્હેજ ઝુકીને અનિતાના હાથ હજી ઈન્દ્રજીત ના ખભે જ હતા અને મોસંબીની ચીર જેવા બે કોમળ ગુલાબી હોંઠમાંથી શબ્દો ખરી રહ્યા હતાઃ ‘‘સાહેબ, એ સાહેબ…ઉઠોને ઓફિસેથી તમને મોટા સાહેબ બોલાવે છે.
ઈન્દ્રજીત તાકી જ રહ્યો અનિતાને! ગુલાબી કલરનો વર્કવાળો પંજાબી ડ્રેસ પહેરીને સામે ઉભેલી અનિતા, એની ભીની ઝૂલ્ફોમાંથી ટપટપ ટપકતા જળબિંદુ, અનાઘ્રાત કળી જેવું માસુમ અને કમસીન યૌવન અને એનો પૂનમના ચાંદ જેવો ગોળમટોળ ચહેરો!
ઈન્દ્રજીતની આંખો હવે સંપૂર્ણપણે ખુલી ગઈ કે બન્નેના હૈયામાં કંઈક કાચ જેવુ તરડ દઈને તૂટયું અને બન્નેના હૈયાની ભીંતો ઉપર એ કાચ, આયનો બનીને જડાઈ ગયા, જયાં બન્નેને પરસ્પરનો ચહેરો જ દેખાતો હતો. ભીની ઝૂલ્ફોમાંથી આવતી શેમ્પુરી સુગંધ અને બદનમાંથી આવતી ફોરેન બ્રાન્ડ સાબુની ખુશ્બો. ઈન્દ્રજીતે ઉંડો શ્વાસ લીધો અને તનમન મહેંક મહેંક થઈ ઉઠયું. અનિતા, ઈન્દ્રજીતને આ રીતે મીટ માંડીને જાઈ રહ્યાની નજરની ભાષા પામીને શરમાઈ ગઈ. એ શરમાઈને ફરંગટી મારીને પાછી ફરવા ગઈ, એ જ વેળાએ ઈન્દ્રજીતના ખૂનમાં એક અજીબોગરીબ ઉથલો આવ્યો. એ સડપ કરતો બેઠા થઈ ગયો અને બીજી જ પળે ચિત્તાની ઝડપથી અનિતાનો હાથ પકડીને એવી રીતે ખેંચી કે અનિતા ઈન્દ્રજીત ઉપર આવી પડી અને ઈન્દ્રજીતે એના શરીર ઉપર પોતાના બન્ને હાથ વીંટાળી દીધા. અનિતા તો લજજા, ડરથી થરથર કાંપવા માંડી. એનું મોઢુ ઈન્દ્રજીતના મોઢા સામું લગોલગ આવી ગયુ. ઘડીભરમાં શું કરવું? તેને સમજાયું નહી. તેનુ સમગ્ર તનબદન કાંપી રહ્યુ હતું કે ત્યાં જ બહારથી રામેશ્વરીનો સાદ આવ્યોઃ અનિતા એ અનિતા…મારા દેવરજી ઉઠયા કે નહી?
અનિતાએ ડરનો માર્યો આંચકો માર્યો છૂટવા માટે! ઈન્દ્રજીતે બાહુપાશ ઢીલી કરી કે, એજ મિનિટે અનિતા દોડતીકને ભાગી. જાણે હંસની પકકડમાંથી હંસલી છૂટી. તેની છાતી ધકધક થતી ધમણની માફક હાંફી રહી હતી અને એ હાંફ ઉંચી-નીચી થતી છાતીમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાજેશ્વરી તેની ધમણ જેમ હાંફતી છાતીને તાકી રહી. અનિતા નજર ઝૂકાવીને રુમમાં જતી રહી કે ત્યાં જ, ઈન્દ્રજીત બગાસું ખાતા ખાતા બહાર આવ્યો અને રસોડાના બારણે બહાર ઉભો રહ્યો. રાજેશ્વરીએ હસીને પૂછયુંઃ ‘‘કુંભકરણ સાહેબ જાગ્યા એમને?’’
‘‘ત્યારે શું?’’ આંખો ચોળતા ચોળતા ઈન્દ્રજીતે આમતેમ જાયું. જાણે કોઈકને શોધતો હોય. રાજેશ્વરીએ એ નજર પકડી લીધી અને એના ચહેરા પર સ્મિત ધસી આવ્યું. ઈન્દ્રજીતે બગાસું ખાતા ખાતા કહ્યુઃ ‘‘તમે તો નિરાંતે સૂવા પણ દીધો નહી’’
‘‘તેડું આવ્યુ છે મોટા સાહેબનું કયારનુંય……’’રાજેશ્વરીએ કહ્યુંઃ ‘‘પટ્ટાવાળો બે વાર બોલાવી ગયો.’’
‘‘એક એને સખ નથી…’’ ઈન્દ્રજીતે ખીજાઈને કહ્યુંઃ ‘‘મૈં એને રાત્રે રિપોર્ટ આપી દીધો હતો કે, પ્રશ્ન બહુ પેચીદો છે અને આખી રાત ડયુટી ઉપર જ છુ. છતા પણ એને ખબર ન પડે કે અત્યારે આરામમાં હશે.’’
‘‘અધિકારી કોને કહે?’’ રાજેશ્વરીએ હસીને સમજાવતા કહ્યુંઃ ‘‘તમારા બડેભૈયાની જ વાત લો ને. એક તો માંડ માંડ દસ-પંદર દિવસની રજા ગાળવા આવ્યા હતા તો બીજે જ દિવસે તાર આવ્યોઃ ‘COME SOON’ આતંકવાદીએ હુમલો કર્યો છે. તરત જ જવું પડયુને? એની કરતા તો સારુ છે ને?’’ જવાબમાં ઈન્દ્રજીત કશુ બોલ્યો નહી. બ્રશ હાથમાં લઈ બોલતો ગયોઃ ‘‘ મારી ચા બનાવો. હું અડધી કલાકમાં ફ્રેશ થઈને ઓફિસે જવા નીકળુ છું. હવે કયાં જવાનું થાય છે એ કશુ નકકી નથી. તો કોરો નાસ્તો પણ બોક્માં ભરી રાખજા.’’
“જી…. દેવરજી….” રાજેશ્વરીએ હસીને મસ્તી કરી અને ઈન્દ્રજીત માટે ચા બનાવવા દૂધ રેડ્યું.
-ઓફિસેથી અડધા કલાક પછી ચાલતો ચાલતો કવાર્ટર તરફ પાછો વળેલો ઈન્દ્રજીતે સહજપણે પોતાની જીપનો દરવાજા ખોલ્યો. બપોરે મોટા સાહેબ સાથે આવવાના હતા અને નાગનાથ બાઉન્ડ્રીથી છેક, ભૂવનેશ્વર અને ભૂવનેશ્વરથી બોરડીઝોન સુધી જવાનુ હતું. એટલે ઈન્દ્રજીતને થયું કે જીપ ચેક કરી લઉ. પેટ્રોલ પૂરાવી લઉ. અહીથી અઢી કિમી દૂર માંડવગઢ હાઈવે ઉપર પેટ્રોલપંપ હતો. ત્યાં પેટ્રોલ પૂરાવીને હજી થોડો સમય આરામ કરી, પછી જમીને બાર સાડા બારે મોટા સાહેબ સાથે નીકળવાનું નક્કી કરેલ હોવાથી એ પેટ્રોલ પૂરાવવા માટે ગાડી સ્ટાર્ટ કરી કે ત્યાં જ રાજેશ્વરી બહાર નીકળીઃ ઈન્દ્રજીતે ગાડી રિવર્સમાં ઉભી રાખી દીધી કે રાજેશ્વરીએ પૂછયુંઃ ‘‘દેવરજી,અત્યારમાં નીકળો છો?’’
‘‘ના,ભાભી, ગાડીમાં પેટ્રોલ પૂરાવીને આવુ છું. બપોરે મોટા સાહેબ સાથે નીકળવાનું છે.” કહી ગાડી સ્ટાર્ટ કરી. કોલોનીના મેઈનગેટના દરવાજા અડધા જ ઉઘડેલા હતા અને જીપનો આ તરફનો દરવાજા પણ અડધો જ બંધ થયેલો હતો. એટલે મેઈનગેટ ઉપર જીપ ઉભી ચાલુ રાખીને નીચે ઉતર્યો અને દરવાજા ખોલી, જીપનો અધખુલો દરવાજા પૂરેપૂરો બંધ કરવા એકવાર, દરવાજા ખેંચીને બંધ કરવા ગયો કે ત્યાં જ તેની નજર સીટની નીચેના ભાગ તરફ ગઈ. ડૂચો કરેલો એક કાગળ બરોબર સીટની નીચે પડયો હતો. એણે એ કાગળ હાથમાં લીધો અને એનો ડૂચો વાળેલા કાગળનો ડૂચો ખોલતો ગયો. પણ જેમ જેમ એ ખોલતો ગયો કે અંદર લખેલું લાલ અક્ષરનું લખાણ પણ ખૂલતું ગયું. એને થયું કે આ ડૂચો અહી કોણ નાખી ગયું? અને આ ડૂચામાં લાલ અક્ષરે લખેલું શું છે? એણે જીપ ચાલુ જ રાખીને વાંચવા લાગ્યો, તો અંદર લખેલું હતું – “ફોરેસ્ટ ઓફિસર, કંઈ સાલો બાદ ઈસ જંગલમે કોઈ શેર આયા હૈ. બહોત રાજી હુએ હૈ હમ! કયા બતાયે! દિલ તો બહોત કૂછ કહને કો તડપ રહા હૈ, લેકિન કહ નહિ સકતા. લેકિન, ઈતના યાદ રખના; શેર કે દુશ્મન બહોત હોતે હૈ. લેકિન શેર આખિર શેર હોતા હૈ! તુમ હારના મત ઓફિસર, ભગવાન તુમ્હે શÂક્ત દે. મૈ તો શÂક્ત ખો ચૂકા હું. કબર પે પગ લટકા કે બેઠા હું. કરુ તો ભી કયા કરુ? કૂછ કર ભી નહી સકતા. પર આજ તુમ પર વિશ્વાસ હૈ. એભલ તો એક હાથા હૈ. અસલી ગુનેહગાર તો ટાઈગર હૈ. ઔર અબ જબ તુમ આયે હો, તો ઈસ ટાઈગર પે એક શેર ભારી પડેગા. બાકી તો સબ ઓફિસર નહી હીઝડે હૈ…. હીઝડે!! મીલેગેં….કોઈ મોડ પર….”-રામનાથ.
-ઈન્દ્રજીત સડક થઈ ગયોઃ રામનાથ? રામનાથ કોણ? પોતે તો રામનાથને ઓળખતો પણ નથી અને આ કાગળનો ડૂચો કયારે જીપમાં આવી ગયો? જીપ તો લોક્ડ હોય છે ! કયારેય જીપનો દરવાજા ખુલ્લો હતો જ નહી તો પછી આ કાગળનો ડૂચો? અને રામનાથ?…
-અચાનક તેના મગજમાં બત્તી થઈ. વહેલી સવારે જે બુઢ્ઢો મળ્યો હતો એણે તો આ ડૂચો નહી નાખ્યો હોય ને? ઈન્દ્રજીત જીપમાં ચડી બેઠોઃ નક્કી.,નક્કી એ ડોસો જ..એ ડોસાને શોધવો પડશે અને ધૂમ્મ…કરતી એની જીપ મારપછાડ કરતી નીકળી
(ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા