ઈન્દ્રજીતના ગયા પછી વહાલથી હાથ પકડીને રાજેશ્વરી અનિતાને પોતાના રૂમમાં લઈ ગઈ. ત્યાં સાગના વિશાળ દરબારી ઢોલિયાની ઉપર રહેલો મખમલી ઓછાડ, રૂમનો અસબાબ, દિવાલ ઉપર મિલિટ્રીના ગણવેશમાં સજ્જ એક યુવાનનો ફોટો લટકતો હતો તેની સામે તાકી રહી. રાજેશ્વરીએ તેની નોંધ લીધી અને એક પળ માટે રાજેશ્વરીએ પણ તે ફોટો સગર્વ અને પૂરેપૂરા વહાલથી જાઈ લીધો. નીચે લખ્યું હતું ઃ ‘‘બ્રીગેડિયર આદિત્યરાજ હેમભા જાડેજા…’’ અનિતાથી એકીટશે એ ફોટાને તાકી જ રહેવાયું. હજી હમણા જ તેને સલામતીપૂર્વક ઘરે મૂકીને બહાર ગયેલો ઈન્દ્રજીતસિંહ જેવો જ ચહેરો આ ફોટામાં પણ હતો. જાણે બદલાયો કે બદલાઈ જશે. એ કે પછી આ?’’ આઠ ધોરણ સુધી ભણેલી અનિતા ઘડીએ ઘડીએ વાંચી વાંચીને મુંઝાઈ જતી હતી કે રસોડામાં ગયેલી રાજેશ્વરી પાછી ફરી. તેના હાથમાં એક થાળી જેવડી ડિશ હતી. તેમા ચેવડો, ગાંઠિયા, બિસ્કીટ અને સુખડીના ચાર પાંચ બટકા હતા.
રૂમમાં આવીને એણે બારણું અડતું કર્યું અને સામે રહેલી ટિપોય ખેંચી તેના ઉપર ડિશ મૂકી. પણ, અનિતાનું ધ્યાન હજી તો સામે ફોટામાં જ ચોંટેલું હતું. રાજેશ્વરી હસી પડી, અનિતાના ગાલે ટપલી મારીને તેણે પૂછયું ઃ ‘અરે…છોકરી, આ ફોટો તો તું કયારનીય જુએ છે…અલી! શું છે વળી એમા જાવા જેવું!’’
અચાનક તે વર્તમાનમાં પછડાઈ. એ કયારની એ ફોટામાં ડૂબી ગઈ હતી. જાણે એ ફોટો આદિત્યરાજસિંહ જાડેજાનો નહી પણ પોતાને ખૂબ ગમતો હતો એવા બાપુના ઘરની સામે રહેતા રાજુનો હતો. એ તેર વર્ષની હતી અને સામે રહેતો રાજુ અઢાર ઓગણીસ વર્ષનો હતો. યૌવન આંખોની ભાષા વાંચી શકતું હોય છે. રાજેશ તેને જે નજરે જાઈ રહેતો એ નજર પારખી શકે તેટલી તો સમજણની પાંખ તેને ફૂટી ચૂકી હતી. કારણ કે વયમાં આવી ગયેલી કિશોરી પણ હતી. રાજેશ તેની સામે મોહક સ્મિત કરીને ચાલ્યો જતો હતો દોડવા, કસરત કરવા…. તેની બહેન રાધા તેની બહેનપણી હતી. રાધા કહેતી કે રાજુને મિલિટ્રીમાં જવું છે, સૈનિક બનવું છે. દેશની સેવા કરવી છે….એટલે તે વહેલી સવારે પાંચ વાગ્યામાં ઉઠીને દોડવા જાય છે. સાત કોશિયે કસરત કરે છે. ડુંગર ચડે છે અને દોડતા દોડતા જ ડુંગરા ઉતરે છે. જાજે, અનુડી, એક દિવસ મારો ભાઈ સૈનિકોની વરદી પહેરીને જરૂર આપણા ગામમાં આવશે.’’
અનિતાને તેની વાત સાંભળીને રાજુ ઉપર વહાલ ઉપરાંત ખૂબ સન્માન ઉપજી આવતું અને ખરેખર એક દિવસ એ મિલિટ્રીમાં ભરતી થઈ ગયો અને ફૌજીનો ડ્રેસ પહેરીને ગામમાં પધાર્યો, ત્યારે ગામલોકોએ તેનું જારશોરથી સામૈયું કર્યુ. એ દોડીને રાજેશને જાવા જતી હતી પણ તેની ઓરમાન માએ તેને જવા જ દીધી નહોતી.
એ બરાડી હતી ઃ ‘‘નભ્ભાઈ, મને ખબર છે કે તને રાજીયો બહુ ગમે છે પણ એવા હલકટના ધંધા હવે મારી આગળ તો નહી જ ચાલે. જા, ઘરમાં અંદર ગુડા, ભૂલેચૂકેય જા ખડકીની બહાર ટાંટિયો મૂકયો છે તો તારા ગૂડા ભાંગી નાખીશ.’’
એ ફફડી ઉઠી હતી અને પછી રડી પડી હતી. સામૈયું ઘર આગળથી વાજતેગાજતે પસાર થયું હતું. ઘોડી ઉપર બેઠેલો રાજેશ, બહાવરી આંખે અનિતાને જ આમતેમ શોધતો હતો એ અનિતાથી કયાં અછતું રહ્યું હતું? અનિતા, ઓરમાન માંથી છાનીમાની નાવણિયામાં કપડા ધોતી ધોતી બારીની તડ પહોળી કરી પોતાના રાજુને હૈયામાં હરખ ભરીને તાકી રહી હતી. લશ્કરની ખાખી વરદીમાં તે ફક્કડ લાગી રહ્યો હતો. એનું હૈયુ ભરાઈ આવ્યું. હૈયા અંદર મીઠી મીઠી કલ્પના રમવા લાગી હતી કે કાશ! આ જ ઘોડી ઉપર બેસીને તું મને પરણવા આવી શકે તો કેવુ સારુ!!’’
એ રાજેશને મન ભરી તાકી રહી પણ રાજેશ તેને કયા જાઈ શકતો હતો? છોકરીઓના ટોળામાં એ તો જાણે આમતેમ ડોકુ ઘૂમાવીને પોતાને શોધતો હતો. રાજેશે પોતાના ઘરની સામે જ સામૈયું અટકાવી રાખ્યું. ગામના સરપંચે કહ્યું કે આ ચોકમાં અડધી કલાક બધાને ગરબા રાસ લેવડાવો…’’
અનિતાની બધી બહેનપણીઓ રાસ લેતી રહી અને અહી બંધ નાવણિયામાં અનિતાના કાળજાની કોર બળતી રહી.
‘‘શું જુએ છે તું?’’ રાજેશ્વરીએ તેને ફરીવાર હડબડાવી કે એ જાણે ભાનમાં આવી. ભૂતકાળની ડૂબી ગયેલી ક્ષણોએ તેની આંખમાં છલકાતી ભીનાશ ભરી દીધી. એ નીચું જાઈ ગઈ.
‘‘એ મારા હસબન્ડ છે…’’ રાજેશ્વરીએ પ્રેમથી છલકાતા અવાજે અનિતાને કહ્યું ઃ ‘‘મિલિટ્રીમાં છે. ઓફિસર છે. અત્યારે જમ્મુ-કાશ્મીર અને લેહ લડાખ બોર્ડર ઉપર તહેનાત છે.’’
‘‘હમમ….’’ બહાર સુધી આવી ગયેલા આંસુને હડસેલો મારીને અનિતાએ અંદર ધકેલી દીધા. પછી પૂછયું ઃ‘કયારે આવશે?’
એના સવાલથી રાજેશ્વરી હસી પડી ઃ અને પોતાના ઉપસેલા પેટ ઉપર વહાલથી હાથ ફેરવીને જવાબ આપ્યો. આ જયારે આવશે ત્યારે તેના પપ્પા આવશે.’’
‘‘ઓહ….’’ અનિતાનું ધ્યાન અત્યારે રાજેશ્વરીના પેટ ઉપર ગયું અને અનુભવ્યું કે એમને હવે પુરા દિવસો જઈ રહ્યા છે.!! એ જાણે સોખમાઈ ગઈ. લજ્જિત થઈ ગઈ. શુ બોલવું તે સમજાયું નહી. એટલે રાજેશ્વરીએ કહ્યું ઃ‘મારા પતિ આદિત્યરાજને મળતા આવે છે. એટલે કદાચ તું વિચાર કરતી થઈ ગઈ હોઈશ….ખરું ને?’’
‘‘એટલુ જ નહી દીદી…’’ અનિતાને રાજેશ્વરીને પ્રથમ વખત દીદીનું સંબોધન કરતા કહ્યું ઃ‘‘મને ફૌઝી અને ફૌઝીની વરદી પણ ખૂબ જ ગમે છે. સાહેબ આ ડ્રેસમાં કેવા સરસ લાગે છે એ જાતી હતી.’’ જવાબમાં રાજેશ્વરી હસી પડી અને પછી કહ્યું ઃ ‘‘આ ચેવડો, સુખડી, ગાંઠિયા તારા માટે લાવી છું. ભૂખી થઈ હોઈશ! પહેલા એમ કહે કે છેલ્લે કયારે ખાધું હતું?
રાજેશ્વરી તેના માથામાં હાથ ફેરવતા વાત્સલ્યથી બોલીઃ ‘‘તે મને દીદી કહ્યું ને? એ મને ખૂબ જ ગમ્યું. મારે કોઈ નાની બહેન નહોતી. આજથી તું મારી નાની બહેન અને હવે મોટી બેનનાં હક્કથી પૂછુ છું કે છેલ્લે તે કયારે ખાધું તું? કયારથી આમ રખડી-ભટકી રહી હતી? પેલા ગુંડા કયારથી તારી પાછળ પડયા હતા…..ઈ કહે.’’ જવાબમાં અનિતા તેના ખભે માથું નાખીને રડી પડી. ‘‘દી…દી….’’ એટલા ડૂસકા તો માંડ પાછા વળ્યા. રાજેશ્વરીએ તેને રડવા જ દીધી. અડધી કલાક પછી તે સ્વસ્થ થઈ, એ પહેલા રાજેશ્વરીએ સલૂકાઈથી, વાત્સલ્યથી અને વહાલથી તેની બધી જ હીસ્ટ્રી જાણી લીધી હતી!!
ભૂખ પણ સગી થતી નહોતી. હવે શરીર શક્તિ માંગી રહ્યું હતું. એ ભરેલી ડિશમાંથી ખાવા લાગી. રાજેશ્વરી તેને પંપાળી રહી. અનિતાના સાતેય કોઠે ટાઢક થઈ રહી…
નાગનાથ બાઉન્ડ્રીની અંદર પ્રવેશતા જ એક કન્ટેઈનર આ તરફ આવતું દેખાયું. ઈન્દ્રજીતે રિવોલ્વર સંભાળી. પોતાની જીપને રસ્તા વચ્ચે જ આડી ઉભી રાખી દીધી. કન્ટેનર ઉભું રહી ગયું અને અંદરથી હટ્ટાકટ્ટા ચાર ફોલાદી આર્મી ઉતર્યા. એ ચાર અને આ તરફ એક ઈન્દ્રજીત અને બે અડધિયા જેવા એક શર્મા અને એક પૃથ્વી ! ખરાખરીનો ખેલ રચાવાની ઘડીઓ આવી પહોંચી…..(ક્રમશઃ)