આદિજાતિના વિદ્યાર્થીઓને ડાકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડા. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ  એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક ૨૬ ઈ.એમ.આર.એસ, ૯ જી.એલ.આર.એસ તેમજ ૯ મોડેલ એમ કુલ ૪૪ શાળાઓ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે. પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાંથી ડાકટરની પદવી માટે ધોરણ ૧૨ સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩માં ૮૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૧,૦૧૫ આદિજાતિ વિદ્યાર્થીઓએ NEET ની પરીક્ષા આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે ૩૬૪ તથા ૪૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.