રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાનીની સ્થિતિ બાદ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. આ કૃષિ રાહત પેકેજને અમરેલીમાં ખેડૂતોની માતૃસંસ્થા સમાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી દ્વારા આવકારવામાં આવ્યું હતું. સમિતિના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતો દ્વારા સરકાર રાહત પેકેજ આપે તેવી આશા હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી રૂ.૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલી બજાર સમિતિ દ્વારા આ પેકેજ જાહેર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.