બાબરા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, બાજરી, તુવેર, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક અને પશુચારો સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગની વધુ વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાબરા તાલુકા કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ૧૦૦% પાક નુકસાન વળતર આપવા અને પાક ધીરાણ સંપૂર્ણ માફ કરવા રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘના નેતા ભાનુભાઈ એમ. પાનશેરિયાએ સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. હાલ તો અમરેલી જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈ સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી બાબરા તાલુકા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.







































