મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદના ઉગ્ર બનેલા વિવાદના મામલે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મૂક પ્રેક્ષક ન બની શકે.
શરદ પવારે એનસીપીની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ‘ગતિવિધિ અને ભાષાના માધ્યમના વિચારનો નાશ કરવા માટે સત્તાનો દુરુપયોગ થાય તો એનું રીઍક્શન આવવાનું જ છે, પણ કેન્દ્ર સરકાર આ મામલાને નજરઅંદાજ કરી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે પ્રવર્તતો સીમા વિવાદ બે રાજ્યોનો નહીં પણ પાડોશી રાજ્યના સરહદી વિસ્તારોમાં મરાઠી બોલનારા લોકોના અધિકારો અને ન્યાયનો છે.’
એનસીપીના નેતા અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ બુધવારે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. એ સંદર્ભમાં શરદ પવારે કહ્યું હતું કે ‘ગઈ કાલે લોકસભાના સ્પીકરે સુપ્રિયા સુળેને કહ્યું હતું કે આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે અને એ સંસદના ગૃહમાં ઉઠાવવાનો મુદ્દો નથી. જો સંસદ આ વિવાદ પર ધ્યાન નહીં આપે તો કોણ આપશે? કેન્દ્ર સરકાર કેવળ મૂક પ્રેક્ષક ન બની રહી શકે.’
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સીમા નજીક આવેલા કર્ણાટકના બેલગાવીમાં કન્નડભાષી વસતીની ટકાવારી કેવી રીતે વધી શકે એ માટે ત્યાંની સરકારે હંમેશાં જુદું વલણ અખત્યાર કર્યું છે.