કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે પોતાના ૧૦ ઉમેદવારોના નામ જોહેર કર્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પરિસ્થિતી દરમિયાન પાર્ટીમાં અસંતોષના સૂર ઉઠ્‌યા છે. જ્યારે પ્રશ્ન રાજસ્થાનના ઉમેદવારોના નામ પર ઉઠ્‌યો છે. રાજસ્થાનના રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ ત્રણેય ઉમેદવારો રાજસ્થાન સાથે સબંધ ધરાવતા નથી. રાજસ્થાનના સિરોહીના કોંગ્રેસના ધારાસભ્ય સંયમ લોઢાએ પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, પાર્ટીએ જણાવવું પડશે કે રાજસ્થાનમાંથી કોઈ પણ ઉમેદવારને કેમ નામાંકિત કરવામાં આવ્યા નથી.
લોઢાએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી જણાવવું જોઈએ કે, ‘રાજસ્થાનમાંથી કોઈ કોંગ્રેસ નેતા અથવા કાર્યકર્તાને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર ન બનાવવાનું કારણ શું છે?’ આ સાથે તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પણ પોતાનું નામ આ લિસ્ટમાં ન હોવાથી અસંતોષના સૂર ઉઠાવ્યા છે. રાજસ્થાનના રહેવાસી પવન ખેડા કોંગ્રેસમાં રાજ્યસભાના દાવેદાર હતા. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું છે કે, કદાચ મારી તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હશે.