રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માર્ગવ્યવહારને ગંભીર નુકસાન થયું છે, જેના પરિણામે કુલ ૩૩૯ રસ્તાઓ હાલમાં બંધ થઈ ગયા છે. આ રસ્તાઓમાં મહત્વના નેશનલ અને સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓમાં પંચાયત હસ્તકના ૩૧૦ માર્ગો અને અન્ય ૧૫ માર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહત્વના ૧૨ સ્ટેટ હાઈવે અને ૨ નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આના કારણે લાંબા અંતરની મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે.આ ઉપરાંત, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લામાં ૧-૧ નેશનલ હાઈવે પણ બંધ થઈ ગયા છે, જે આંતરરાજ્ય અને આંતરજિલ્લા પરિવહન માટે ગંભીર અવરોધ ઊભો કરે છે.સૂત્રોની માનીએ તો સ્થાનિક તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ પરથી પાણી ઉતારવા અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જે રસ્તાઓ પર પાણી ભરાયા છે ત્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. જ્યાં માર્ગોને નુકસાન થયું છે ત્યાં સમારકામ માટેની ટીમો તૈનાત કરવામાં આવી છે. જોકે, સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ સમારકામ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી માર્ગો સંપૂર્ણપણે ખુલ્લા ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળે. આગામી ૨૪ કલાકમાં વરસાદનું જાર ઘટવાની આગાહી છે, જે બાદ સમારકામની કામગીરી વધુ ઝડપી બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. હાલની પરિસ્થિત દર્શાવે છે કે કુદરતી આફત સામે માનવીય પ્રયાસો મર્યાદિત બની જાય છે, છતાં પણ તંત્ર અને સ્થાનિક લોકોના સહકારથી આ મુશ્કેલીને પાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.