રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદનાં કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
રાજ્યમાં પાટનગર ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો જારદાર રીતે ગગડ્યો હતો. હવામાન વિભાગનાં કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે.
દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૪૮ કલાક વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. વળી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે. આ કારણોસર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અને અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.