ગુજરાત રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના બોજ હેઠળ ફરજ બજાવતા શિક્ષકો પરના તણાવનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામમાં બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા શિક્ષક દિનેશ રાવળનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સુદાસણ કન્યા શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બીએલઓ તરીકેની વધારાની જવાબદારી નિભાવતા દિનેશ રાવળનું ગત રાત્રે આશરે ૨ વાગ્યાની આસપાસ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. સ્થાનિક સૂત્રો અને શાળાના આચાર્યના નિવેદન મુજબ દિનેશ રાવળ સતત છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠીને એસઆઇઆર (સ્પીશિયલ સમરી રિવિઝન)ની કામગીરી અંતર્ગત ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા.એસઆઇઆરની મોબાઈલ એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાને કારણે તેઓ રાત્રિના સમયે જાગીને આ કામગીરી પૂર્ણ કરવા પ્રયત્નશીલ હતા. ગઈ રાત્રે પણ તેઓ લગભગ ૨ વાગ્યે ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને વડનગર સિવિલ હોસ્પીટ્લલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ થયું ત્યાં સુધીમાં દિનેશભાઈએ તેમની બીએલઓ કામગીરી લગભગ ૭૦% જેટલી પૂરી કરી દીધી હતી.સમગ્ર ઘટના અંગે સુદાસણા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગોવિંદસિંહ બારડ એ નિવેદન આપ્યું હતું. તેમણે શિક્ષકો પરના તણાવ તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનો હતો કે ટૂંકાગાળાની અંદર જે એમને ગોલ આપેલો હતો એ પૂરો કરવાનો હતો. એમાં પણ સર્વર છે તે બરાબર કામ કરતું નથી. ફોર્મ અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ કરતું નથી.ઉલ્લેખનીય છે કે, બીજી તરફ કામગીરી પૂરી કરવા માટે સતત દબાણ રહેતું હોય છે.” બીએલઓની કામગીરી નિભાવતા શિક્ષકનું રાત્રે કામગીરીના દબાણ હેઠળ હાર્ટ એટેકથી નિધન થતાં સુદાસણ ગામ અને મહેસાણા જિલ્લાના શિક્ષક આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને સાથે જ ફરજ દરમિયાનના તણાવ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.