રાજયમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજય સરકાર કાર્યરત છે. જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોના પ્રેરણા પ્રવાસનું આયોજન અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગ અને આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા આયોજિત ‘પ્રેરણા પ્રવાસ‘ દરમિયાન ખેડૂતોને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં જેમણે સફળતા હાંસલ કરી છે અને તેના મીઠા ફળ પણ પ્રાપ્ત કર્યા છે તેવા ખેડૂતોના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મેળવવાની સાથે તેના પ્રશ્નોનું સમાધાન પણ મેળવે છે. આ પ્રવાસ દરમિયાન ખેડૂતો ખેતી ક્ષેત્રના નવીન પ્રયોગો અને ખેતીના અનુભવોની પરસ્પર આપ- લે પણ કરે છે.