ગયા વર્ષે સર્વવ્યાપી અને પૂરતા વરસાદને કારણે આ વર્ષે ચોમાસાના આગમનની અપેક્ષા વચ્ચે, હાલની સ્થિતિ એવી છે કે સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૪૪.૧૮ ટકા પાણી ઉપલબ્ધ છે. હાલમાં, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૫૩.૦૪ ટકા પાણી ઉપલબ્ધ છે, જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જળ સંસાધન વિભાગ, ગાંધીનગરની યાદી મુજબ, ગયા વર્ષે આ સમયે, એટલે કે ૧૦ જૂન, ૨૦૨૪ ના રોજ, રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪.૦૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૨૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૩૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૮.૧૦ ટકા અને કચ્છના ૨૦ જળાશયોમાં ૨૭.૫૭ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ, સુફલામ જળસંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી ગુજરાત વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં આત્મનિર્ભર બન્યું છે. પીએમ મોદીએ કેચ ધ રેઇનના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં કેચ ધ રેઇન, સુજલામ સુફલામ અભિયાન ૨.૦નો મહેસાણાના દવાડાથી સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
હવામાન વિભાગે ૧૫ જૂન સુધી સૌરાષ્ટÙ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે.ગુજરાતમાં હાલમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ભેજની સ્થિતિ પણ જળવાઈ રહી છે, જેના કારણે આગામી સાત દિવસમાં વરસાદની શક્્યતા છે. આગામી સાત દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.